
દેવરાજ બુધેલીયા
સિહોર સહિત પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ ફરમાવ્યા બાદ આજે બપોરના સુમારે અચાનક મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બપોરના સમયે શહેરના વિવિધ સ્થળોએ જોરદાર વરસાદી ઝાપટુ વરસતા મુખ્ય રાજમાર્ગોમાં પાણી ફરી વળ્યાં હતા છેલ્લા દિવસોમાં બાફ અને ઉકળાટનો સામનો કરી રહેલ શહેરની પ્રજાને રાહતની લાગણી અનુભવી છે. ગત બે સપ્તાહ દરમ્યાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સીસ્ટમ સર્જાતા સિહોર સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે સિહોર અને પંથકમાં ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ત્યાર બાદ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા બાફ અને ઉકળાટભર્યા વાતાવરણનો સામનો કર્યો હતો. આજે બપોરના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અચાનક આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા અને લોકોને ગરમીથી રાહત થઈ હતી