કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેવી દહેશત, દોઢ વર્ષ પહેલાં રંઘોળા પાસે અકસ્માતમાં ૪૨ ના મોત થયા હતા, તસવીર જોતા ખ્યાલ આવશે કે પુલની આવર્દા કેટલીક હશે

શંખનાદ કાર્યાલય
ઉમરાળાના લંગાળા ગામ પરથી પસાર થતી રંઘોળી નદી પર સરકારી તંત્રએ લાખોના ખર્ચે પુલ બાંધ્યો છે પરંતુ ખનીજ માફીયાઓ દ્વારા આ પુલના પાયામાંથી આડેધડ રેતી ઉલેચી લેવાતા પાયા નબળા પડયા છે અને જો આમને આમ સ્થિતિ રહેશે તો પુલ પણ ધરાશાયી થઇ શકે છે. તંત્રની બંધ આંખે આ વાસ્તવિક્તા દેખાતી નથી કે નથી કોઇ પગલા ભરાતા. લંગાળા ગામમાં પસાર થતી રંઘોળી નદી ઉપર વિશાળ પૂલ છે, કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પૂલ પર સતત ટ્રાફિક રહે છે, પરંતુ આ પૂલ તંત્રના અને ખનીજ માફિયાઓના પાપે ક્યારે કડડભૂસ થશે તે નક્કી નથી. કારણ કે પૂલની પિલોર સુધી ગોઠણસમી નદીને ખોતરી નાખી છે. તો કેટલાક જગ્યાએ દસથી ફૂટ સુધી રેતી ખોતરીને ખનીજ માફિયાઓ રોયલ્ટી ચોરી કરી રહ્યા છે. આ રોયલ્ટી ચોરી બે ચાર દિવસમાં નહીં પણ મહિનાઓથી ચાલે છે સરકારની તિજોરીમાં લાખો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સૌથી મોટું નુકસાન એ છે કે, પ્રજાના પરસેવે બનાવેલો કરોડોનો પૂલ નબળો પડવા જઈ રહ્યો છે. પૂલના નીચેના પિલોર સુધી ખનીજ માફિયા રેતીનું ખોદકામ કરી રહ્યા છે. પિલોર નબળા પડવાની પૂલની આયુષ્ય ઘટી રહી છે. આ મામલે સ્થાનિકથી લઈને પી.એમ.પોર્ટલ સુધીમાં રજૂઆતો પણ થઈ છે, છતા કોઈ પગલા ભરાતા નથી હજારો મેટ્રીક ટન ખનન થવા છતા તંત્રને જાણ ન હોય તે વાત ગ્રામજનોએ ગળે ઉતરતી નથી. રસ્તા પર સામાન્ય વાહન ચાલકોને ઉભા રાખીને રૂપિયા 100ની 500ની પહોંચ ફાડતા તંત્ર આટલી મોટી ઘટનાથી અજાણ રહે તે વાત હાસ્યસ્પદ લાગી રહી છે. રાજ્યલેવલેથી દરોડા પાડવામાં આવે તો સ્થાનિક બાબુઓની પોલ ખુલવા સાથે વાસ્તવિકતા બહાર આવી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here