રાજ્યમાં બઢતી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠેલા તમામ ૧૧૯ જજ નાપાસ થયા, ડિસ્ટ્રીકટ જજની પરીક્ષામાં ૧૩૭૨ વકીલો પણ નાપાસ જાહેર
  • ડિસ્ટ્રીકટ જજની જગ્યા માટે ગુજરાત હાઇકોર્ટ દ્રારા લેવાયેલી પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું પરિણામ નિરાશાજનક એટલે કે ઝીરો ટકા આવ્યું હતું. પરીક્ષામાં ભાગ લેનારા તમામ ૧૧૯ કાર્યરત જજો તથા ૧,૩૭૨ વકીલો નાપાસ જાહેર થયા છે. રાજસ્થાનમાં પણ આવું જ પરિણામ આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટે માર્ચ મહિનામાં જિલ્લા ન્યાયાધીશની ૪૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ કરી હતી. જિલ્લા ન્યાયાધીશ બનવાની ઇચ્છા ધરાવતા ગુજરાતના તમામ ન્યાયાધીશો લેખિત કસોટી પાસ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી કોઇપણ ઉમેદવાર ઇન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી શક્યા નથી. હાઇકોર્ટ પોર્ટલ પર જાહેર કરેલા પરિણામમાં લેખિત પરીક્ષામાં નિષ્ફળ ગયેલા ૧૧૯ જજોમાંથી ૫૧ જજો તો જૂન મહિનામાં પ્રિન્સિપાલ જજ અથવા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ તરીકે ગુજરાતની સંબંધિત કોર્ટોમાં વડા તરીકે કાર્યરત છે. નિયમ મુજબ હાઇકોર્ટે ૬૫ ટકા જગ્યા સીનીયર સીવીલ જજને ડિસ્ટ્રીક્ટ જજ પદે બઢતી આપી હતી. બાકીની જગ્યાઓમાંથી ૨૫ ટકા જગ્યાઓ બાર (એડવોકેટ)માંથી ઉમેદવારોની પસંદગી કરીને ભરવાની હોય છે. જયારે ૧૦ ટકા જગ્યાઓ વર્તમાન જજ કે જેઓ લાયકાતના આધારે સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે છે.  આ ૪૦ જગ્યાઓ માટે ગુજરાત હાઇકોર્ટ દ્રારા જૂન મહિનામાં ૧૩૭૨ એડવોકેટોની એલિમિનેશન ટેસ્ટ લીધી હતી. જેમાં ૪૯૪ વકીલોએ ઓનલાઇન પરીક્ષામાં ૫૦ ટકા માર્કસ મેળવ્યા હતા. ત્યારબાદ આ ૪૯૪ એડવોકેટ ઉમેદવારો તથા ૧૧૯ જજો મળીને કુલ ૬૧૩ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં તમામ ઉમેદવારો જરુરી ગુણ મેળવી શક્યા ના હોવાથી જીરો ટકા પરિણામ આવ્યું હતું. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ એચ.ડી. સુથારે જણાવ્યું હતું કે, સર્વિસ ટ્રેક, કેસ ડિસ્પોઝલ વગેરેને ધ્યાનમાં લઇને સીનીયોરીટી પ્રમાણે બઢતી આપ્યા બાદ અમૂક જગ્યાઓ ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. જેમાં સાત વર્ષ કે તેથી વધુ વર્ષનો વકીલાતનો અનુભવ ધરાવતા વકીલો અને જજ તરીકે કાર્યરત હોય પરંતુ પરીક્ષા આપવા માટે લાયકાત ધરાવતા જજો પરીક્ષા આપતાં હોય છે. આ લેખિત પરીક્ષામાં કોઇ પાસ થયા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here