સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી..શહેરનું યુવાધન હિલોળે ચડ્યું


દેવરાજ બુધેલીયા
નવરાત્રી તહેવાર રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. ત્યારે પાંચમાં નોરતે સિહોરના ગરબીઓમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. છેલ હલકે રે ઇંઢોણી, માથે હેલ લેવી છે ગરબા પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. આદ્યશકિતની આરાધનાનું પાવન પર્વ શહેરમાં સમી સાંજથી વિવધ વિસ્તાર ચોક જાણે ચાચર ચોક બન્યા હોય તેમ ધૂપ, દીપ, ગરબા, રાસ, સંગ અલૌકિક વાતાવરણ બને છે. નાની બાળાઓ ગરબે રમી અને વિનવે છે કે મામ્પાહી ભગવતી ભવદુઃખ કાપો…. ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. બાળાઓને પ્રસાદી અને લ્હાણી વિતરણ કરી ભાવિકો ધન્ય બને છે બીજી તરફ શહેરના અનેક સ્થળો પર થયેલા નવરાત્રીના ભવ્ય આયોજનમાં દુધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ, પાંચમા નોરતે યુવાધન હિલોળે ચડ્યું હતું ગરબાની પાંચમી રાત હવે તો આંખના ઉજાગરા અને પગનો દુઃખાવો માફક આવી ગયો છે. ખેલૈયાઓનો મેક-અપ રેલાઇ જાય છે પણ ઢોલના છેલ્લા તાલે પણ થનગનાટ રેલાતો નથી. ગ્રાઉન્ડ પર કોઇ પોતાના સ્ટેપ્સથી પ્રાઉડ ફીલ કરે છે તો કોઇ પોતાની આગવી અદાઓથી. સતત ચાર-ચાર કલાક ગરબા રમતા સિહોરના ખેલૈયાઓ થાકતા નથી અને શહેરમાં જાણે રાત પડે ને “દી” ઉગે તેવો માહોલ જોવા મળે છે