મિલન કુવાડિયા
(શંખનાદ સંચાલક)
આદરણીય નરેન્દ્રભાઈ આજના ખાસ દિવસે બે મહત્વની બાબતોમાં સૌ પ્રથમ શુભેચ્છાઓ પાઠવું છું એક આપના જન્મ દિવસની અને બીજી માં નર્મદાના વધામણા..આજના ખાસ દિવસે તમે ગુજરાત આવ્યા, તમારૂ સ્વાગત છે. આમ તો અમારૂ જેટલુ ગુજરાત છે એટલુ જ તમારૂ પણ છે. અમે તો પ્રજા છીએ પણ તમે તો ગુજરાતના નાથ તરીકે દોઢ દાયકા સુધી ગુજરાતમાં રાજ પણ કર્યુ છે. હવે દેશ દુનિયા ઉપર તમારૂ આધિપત્ય છે. તમે વડાપ્રધાન થયા પછી ઘણા બધા સુધારા તરફ દેશને લઈ ગયા તે માનવું પડે પરંતુ 2014માં તમને સત્તા મળી અને તમે વડાપ્રધાન થયા પછી દેશનો સામાન્યમાં સામાન્ય માણસ એવુ માની રહ્યો હતો કે તેમના જીવનમાં હવે સારૂ થશે કારણ તમે અચ્છે દિનની વાત કરી હતી. પરંતુ બહુ પ્રામાણિકપણે વાત કરૂ તો અચ્છે દિન તો ઠીક પણ તેનો અહેસાસ પણ દેશની જનતાને થયો નહીં. તમને પ્રજાએ દેશના વડા તરીકે બેસાડ્યા હતા પરંતુ તમે સત્તામાં આવ્યા પછી અમારા માટે કંઈક કરવાને બદલે તમે તો તમારો રાજકિય હિસાબ પુરો કરવામાં અને વિરોધીઓને ખતમ કરવા તમારો સમય આપી રહ્યા હતા. તમારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય પક્ષના નેતાઓ સામે જે વાંધો હોય તે તમને હિસાબ પુરો કરો તેની સામે અમને કોઈ વાંધો ન્હોતો. પરંતુ તમે અમારી તરફ ધ્યાન આપવાને બદલે માત્ર વિરોધ પક્ષને ખતમ કરવા માટે જ વડાપ્રધાન થયા હોય તેવુ લાગી રહ્યુ છે સાહજિક પણે અને ખુલ્લા દિલની વાત કહું તો આપડા ગુજરાત રાજ્યમાં સામાન્ય માણસ અને નેતા-અધિકારી માટે આજે પણ કાયદા જુદા છે. રસ્તાની બાજુમાં સામાન્ય માણસ વાહન પાર્ક કરે તો પોલીસ ટોઇંગ કરી જાય છે પણ કારની નંબર પ્લેટ નીચે એમએલએ, એમપી, મેજીસ્ટ્રેટ અને ચેરમેન જેવા હોદ્દાઓ લખેલા હોય તો તેઓ રસ્તાની બરોબર વચ્ચે પણ કાર પાર્ક કરી શકે છે નરેન્દ્રભાઈ બહુ સાચું કહું ને તો આ રાજ્યનો પ્રત્યેક નાગરિક બેહિસાબ તકલીફો માંથી પસાર થઈ રહ્યો છે મોંઘવારી બેકારી બેરોજગારીએ લોકોનું જીવવુ હરામ કરી નાખ્યું છે અને તેવી સ્થિતિ રાજ્યમાં ઉભી થઇ છે તમારે અમારા જેવા ગરીબોના મનને પણ સમજવા પડશે. નરેન્દ્રભાઈ તમે શ્રીમંત પરિવારમાંથી આવતા નથી, તમે ગરીબી અને મધ્યવર્ગની હાડમારી જોઈ છે. આજના ખાસ દિવસે ટૂંકમાં કહું તો સામાન્ય પ્રજાના જીવનમાં સુખ સુવિધા વધારનારૂ હોય તમને જોઈ સામાન્ય માણસ પણ રાજી થાય તેવી વ્યવસ્થા કરવા તમારા આદેશની જરૂર છે જેથી એક નજર રાજ્ય તરફ પણ કરવા માટે આપને એક ગરીબ અને મધ્યમ વર્ગની વિન્નતી છે આપ પણ રાજ્યનો નાગરિક દુઃખી ન થાય તેની કાળજી રાખવી આપની જવાબદારી છે બાકી બધું તો ઈશ્વર આધીન છે આજના ખાસ દિવસે આપના જન્મ દિવસની સાથે માં નર્મદાનીરના વધામણાંની શુભેચ્છાઓ..