દેવરાજ બુધેલીયા
મેઘમહેર હવે આફત બનતી જઈ રહી હોય તેમ વહેલું શરૂ થયેલું ચોમાસુ હજુ વિદાય લેવાનું નામ લઈ રહ્યું નથી સિહોર અને પંથકમાં સતત ત્રીજા દિવસે ગઈકાલે કમોસમી ઝાપટું વરસ્યું હતું. જ્યારે સિહોરમાં પણ માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતાની લકીર તણાઈ હતી. હાલના વાતાવરણ ઉપરથી ઓણ સાલ વરસાદ દિવાળી કરીને જ જશે તેવું લાગી રહ્યું છે.એક પછી એક વરસાદની આગાહી થઈ રહી છે. પરમ દિવસે ભાવનગર સહિત તળાજા અને ગારિયાધારમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ પાક નિષ્ફળ જવાની દહેશતે ખેડૂતોની રાતની ઉંઘ હરામ કરી નાંખી હતી. ત્યાં ગઇરાત્રે સિહોરના ઘાંઘળી ગામે ફરી મેઘરાજાએ ઝાપટું વરસાવી ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો હતો. અને મોલાતને નુકશાન જવાની ભીતિ સેવાઈ હતી. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે જિલ્લામાં હજુ પણ પાકને નુકશાન પહોંચાડે તેવો વરસાદ વરસી રહ્યો છે. ભાઈબીજ સુધી વાદળિયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વરસાદ દિવાળી કરીને જ જશે તેની ભીતિને કારણે ફટાકડાના વેપારીઓ ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. તો ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટાવાની દહેશત સતાવી રહી છે. સતત ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ, માવઠા અને ઠંડા પવનને કારણે વાતાવરણ ઠંડુગાર જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here