મિલન કુવાડિયા
આદરણીય વિજયભાઇ તમે રાજ્યના વડા છો તમારી અને મારા સહિત ગુજરાતના સવા છ કરોડની પ્રજાની સલામતી વ્યવસ્થા સંભાળતા પોલીસની આપણે ચિંતા કરવાનું ભુલી ગયા છે, જેના પરિણામે પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરી રહ્યા છે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આજની પોલીસ અધિકારીની આત્મહત્યાની ઘટના યાદ કરતા ખૂબ દુઃખ બાબત સાથે કહેવું પડે આપણે આપણી સંવેદના ગુમાવી દીધી છે. એક પછી એક યુવાન પોલીસ અધિકારીઓ પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે. વિજયભાઈ તમારો પોલીસવાળો દુઃખી અને ત્રસ્ત છે, ગુજરાત પોલીસનો સરેરાશ સ્ટાફ રોજના પંદરેક કલાક કરતા વધારે કામ કરે છે. તેણે પોતાના બાળકોને કાયમ સુતા જોયા છે. પોલીસવાળા ઘરે પહોંચે ત્યારે તેના બાળકો તેની રાહ જોતા સુઈ જાય છે અને બાળકો સ્કુલે જવા નિકળે ત્યારે તે પોતાના પિતાને સુતા જુવે છે. આ તો કેવી વ્યવસ્થા છે. જ્યાં ગુજરાત પોલીસના હજારોની સંખ્યામાં જવાનોને વિકલી ઓફ પણ મળતો નથી. માનીએ છીએ કે પોલીસ આવશ્યક સેવા છે, પરંતુ પોલીસવાળો નોકરી કરતા કરતા મરી જાય ત્યાં સુધી આપણે તેની સામે પણ જોઈએ નહીં આ કેટલુ વાજબી છે. રાજ્ય અને દેશમાં ઘણી બધી સરકારી સેવાઓ ચોવીસ કલાક ચાલે છે, પણ તે વિભાગના કર્મચારીઓ સપ્તાહમાં એક દિવસ તો પરિવાર સાથે રહે છે. તમારી આસપાસ તમારી સલામતીમાં રહેલા પોલીસવાળાને એક વખત તો પુછો કે ભાઈ છેલ્લે તું તારા પરિવાર સાથે ક્યારે બેઠો હતો. નાના પોલીસની હાલત તો સૌથી વધુ કફોડી છે. પોલીસવાળાની નોકરી અને ઉંમરને કયારેય માન મળ્યું નથી, તેનો સિનિયર અધિકારી કાયમ તેને તુકારે જ બોલાવે છે. ઘણી વખત સિનિયર અધિકારી પોતાની પિતાની ઉમંરના પોલીસવાળાને હડધુત કરે છે. રસ્તા ઉપર પ્રજા અને નેતાઓ અપમાનીત કરે છે. ઓફિસમાં સાહેબ તુકારો આપે જાહેર સભામાં પોલીસને તમે પણ થોડા સમય પહેલા કહેલું પોલીસ ભ્રષ્ટ છે પોલીસ જેવી છે તેવી તમારી અને મારી છે. આપડી છે જે ભ્રષ્ટાચાર કરે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ પણ બધા જ ભ્રષ્ટ છે તે કહેવુ વાજબી નથી. જેમ બધા નેતાઓ ચોર નથી તેમ બધી પોલીસ પણ ભ્રષ્ટ નથી. દરેક તંત્રમાં સારા અને પ્રમાણિક માણસો હોય છે તેના કારણે જ આપણી વ્યવસ્થા ચાલી રહી છે.
ખાખી કપડાંનો તૌર જ કઈક જુદો હોય છે. ખાખી કપડુ તમારા પોલીસવાળાને તેની સત્તા અને તાકાતનો અહેસાસ કરાવે છે, પરંતુ મને લાગે છે હવે ખાખી કપડાંમાં રહેલો તમારો પોલીસવાળો પોતાને લાચાર અને નિર્બળ સમજવા લાગ્યો છે. તે લોકોના ટોળામાં પોતાને એકલો સમજી રહ્યો છે. તેને લાગી રહ્યું છે તે તેની વ્યથા અને વેદના સમજનાર કોઈ નથી જેના પરિણાસ સ્વરૂપ આપણે આજની ઘટના સાથે અગાઉ જાડેજા અને રાઠોર જેવા યુવાન પોલીસ અધિકારીઓ ગુમાવ્યા છે, આ પ્રકારે આપણે વધુ પોલીસ કર્મચારીઓ ગુમાવવાની રાહ જોવી જોઈએ નહીં. પોલીસ પણ આખરે આપણે વચ્ચે રહેતો માણસ છે એટલી સંવેદના તો રાખવી પડશે. તેના પ્રશ્નો, તેના પરિવારની ચિંતા આપણે કરવી પડશે, આપણે આપણી જવાબદારીમાં છટકી શકતા નથી. કારણ તમે પોલીસ વિભાગના પિતાની ભૂમિકામાં છો રાજ્યના વડા અને જવાબદાર વ્યક્તિ છો અને પિતાએ જ સંતાનોનું જ્યાંન રાખવાની જવાબદારી હોઈ છે તમે તમારા આઈપીએસ અધિકારીઓને બોલાવી થોડીક સમજ આપજો, તેમની પાસે તો ચોવીસ કલાક સરકારી ગાડી, બંગલો અને સેવામાં તૈનાત પોલીસવાળા હોય છે, પરંતુ પોલીસ લાઈનમાં રહેતો પોલીસવાળો પોતાના બાળકોની સ્કૂલે પણ જઈ શકતો નથી. તેની પાસે તેના બિમાર માતા-પિતાને દવાખાને લઈ જવાનો પણ સમય નથી, તે પરિવારના લગ્ન અને મરણ પ્રસંગમાં પણ ગેરહાજર હોય છે, કારણ પોલીસવાળો તમારા બંદોબસ્તમાં હોય છે. પોલીસને વધુ કઈ ના આપી શકાય તો વાંધો નહીં, પણ તેનો અધિકારી દિવસમાં એક વખત તેની સાથે સારી વાત કરશે તો પણ પુરતું છે. મને લાગે છે બસ આટલુ પુરતું છે જો આ દિશામાં કંઈક થાય તો…