
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે આજે વાલિમીટીંગ સાથે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓને ગાંધીજીનાં વિચારો તેમજ સ્વચ્છતા અભીયાન પ્રત્યે જાગૃતતા લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષમાં ૧૫૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ ગાંધીબાપુ બનીને ગાંધીજીને સ્મરણાંજલી અર્પણ કરી હતી. લગભગ આ એક પ્રકારનો રેકોર્ડ જ બન્યો કહેવાય. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાનું પ્રમાણપત્ર, ગાંધીજીનું પુસ્તક તેમજ ભેટ અર્પણ કરવામાં આવી હતી અને ભાગ લેનાર બન્ને શાળાને સન્માન પત્ર, ગાંધીજીનું પુસ્તક આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંતર્ગત શપથ પણ લેવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ગાંધીજીનાં ચરખા, બેનર અને જુદા – જુદા ચાર્ટનું એક ભવ્ય પ્રદર્શનનું પણ આયોજન કરાયુ.આ ભવ્ય પ્રદર્શન નીહાળવા તેમજ બાળકોને પ્રોત્સાહીત કરવા સિહોર શહેરની પ્રતિષ્ઠીત વ્યક્તિઓ, જુદી જુદી શાળાઓનાં વિદ્યાર્થીઓ તેમજ સિહોર શહેરની જાહેર જનતા બહોળી સંખ્યામાં આ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. સહજાનંદ શિક્ષા ભવન – ગુંદાળા તથા સિહોર શાળા નંબર – ૨ નાં વિદ્યાર્થીઓએ ગાંધીબાપુ બની આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠનાં તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.