સદગુરુ સંત જ્ઞાનજીવનદાસજી ને લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપટ એન્ગ્રેવડ ઓન ટાઇટેનિયમ શીટ એવોર્ડ થી સન્માનિત કરાયા

મિલન કુવાડિયા
શ્રીસ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર રચાયેલ શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથ એ સંપ્રદાયનો મોટામાં મોટો ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં સંત સદ્ગુરુ શ્રીઆધારાનંદસ્વામીએ આ મહાકાય ગ્રંથની રચના કરી છે. આ હસ્તલિખિત ગ્રંથની ઊંચાઈ ૪ ફૂટ અને તેનું કુલ વજન ૩૩ કિલો છે. આ મહાકાય ગ્રંથમાં ૧,૦૨,૫૬૪ દોહા-ચોપાઈ-સોરઠા છે. આવા ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન હસ્તપ્રત ગ્રંથનો ડીઝાસ્ટરમાં પણ નાશ ન થાય તેવું દીર્ઘદૃષ્ટિપૂર્વકનું કાર્ય શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ- વડોદરાના સંત પ.પૂ.સદ્ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામે કર્યું છે. દાવાનળ કે ભૂકંપમાં પણ ક્યારેય નાશ ન પામે એવો ચિરંજીવ કરવા માટે આ ગ્રંથ ટાઇટેનિયમની પ્લેટ ઉપર કંડારવામાં આવ્યો છે. તેમજ સ્વામીજીએ આ ટાઇટેનિમ ગ્રંથની પ્રથમ કોપી તૈયાર કરી સંપ્રદાયની માતૃસંસ્થા વડતાલધામને અર્પણ કરી સમગ્ર ભારતીય આધ્યાત્મિક સાહિત્યની ગરીમા વધારનાર ઉદાત્તકાર્ય કર્યું છે. જેનાથી સંપ્રદાયના તેમજ દેશભરના લાખો લોકો ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, વિશ્વના ઇતિહાસમાં આટલા મોટા કોઈ આધ્યાત્મિક ગ્રંથને આ પ્રકારે ટાઇટેનિયમ ધાતુપત્રમાં કંડારવામાં આવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. આનાથી આવા અનેકવિધ ભારતીય આધ્યાત્મિક જ્ઞાનના સંસ્કૃતિ સંરક્ષક સદ્ગ્રંથોને જાળવવાની એક અનુપમ પ્રેરણા પ્રાપ્ત થાય છે.
પ.પૂ.સદ્ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામને આ ગ્રંથના કાર્ય બદલ ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ અને ‘એશિયા બુક ઓફ રેકોર્ડ’ તરફથી લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપ્ટ એન્ગ્રેવ્ડ ઓન ટાઇટેનિયમ શીટ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. ભારતીય સંસ્કૃતિના પુરાતન ગ્રંથને આજની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચિરકાળ સુધી સાચવી આવનારી ભાવિ પેઢીઓ માટેનું આ અભૂતપૂર્વ કાર્ય પ.પૂ.સદ્ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામે કર્યું છે. જે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિને સાચવવા માટેનું એક ગૌરવવંતુ ઐતિહાસિક કાર્ય છે.