મંદિરોમાં મીઠાઈ, ફરસાણ, મેવા અને ફૂટની વાનગીઓ પ્રભુને અર્પણ થઈ

દેવરાજ બુધેલીયા
સિહોરના વિવિધ મંદિરોમાં બેસતા વર્ષના દિવસે ભગવાનને પ૬ ભોગના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. મંદિરોમાં ભગવાનને વિવિધ મિઠાઈ, સૂકામેવા, ફ્રૂટ તથા ફરસાણની વાનગીઓ પીરસી અન્નકૂટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ અનેરા પ્રસંગે મંદિરોમાં દર્શન માટે લોકોની ભીડ જામી હતી. દિવાળીના દિવસોમાં અન્નકૂટોત્સવનો અનેરો મહિમા છે આ વર્ષે દિવાળીના દિને અન્નકૂટોત્સવની ઉજવણી કરાઈ હતી. મંદિરમાં બિરાજમાન દેવી, દેવતાઓને પ૬ ભોગ પીરસવામાં આવ્યા હતા. જ્યારે ભગવાનને અન્નકૂટ ઉજવણી અંતર્ગત મિઠાઈ, ફરસાણ, મેવા તથા ફ્રૂટની વાનગીઓ ધરાવી શ્રદ્ધાળુઓમાં પ્રસાદીરૂપે તેનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે વિવિધ મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટયો હતો. જેઓએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. દિવાળીના રોશનીના પર્વમાં મંદિરોમાં દીપમાળ પર દીવડા તથા શિખરો પર રંગબેરંગી લાઈટીંગની રોશની કરવામાં આવી હતી. જેને લઈ મંદિર પરિસરો રોશનીના ઝળહળાટથી દીપી ઉઠયા હતા.