એસટી સ્ટેન્ડ નજીક બુમો પાડીને મુસાફરોની ખેંચતાણ ખાનગી વાહનોથી એસટીને આર્થિક નુકસાન થતુ હોય

દેવરાજ બુધેલીયા
સિહોર એસટી સ્ટેન્ડ પાસે ખાનગી વાહનો ઉભા રાખીને બુમો પાડીને મુસાફરોને ખેંચવાની પેરવી સામે તંત્રએ સંયુકત કાર્યવાહી કરીને એસટીને આર્થિક નુકસાન રોકવા માંગ ઉઠી છે. અત્યારે દિવસે -દિવસે લોકોની પરિવહનની સુવિધા પ્રત્યેની અપેક્ષાઓ વધી રહી છે. એક સમયે એસ.ટી.ની સુવિધા લોકમાં વગોવાયેલી હતી. આજે એ જ એસ.ટી.ની સુવિધા નવી એસ.ટી. ઓ સાથે મુસાફરોને વિશેષ સુવિધાઓ આપી રહી છે. લોકો વધુને વધુ સંખ્યામાં એસ.ટી.નો લાભ લઇ રહ્યા છે. પરંતુ સિહોર એસ.ટી. પાસે જ રોડ પર ખાનગી વાહનોનો ઊભા રહે છે. અને આગળના સ્ટેશને મુસાફરોને બુમો પાડે છે. જેને કારણે એસ.ટી. વિભાગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની જરૂરિયાત છે. સિહોરમાંથી ભાવનગર -રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થઇ રહ્યો છે. જેમાં સિહોરમાં બસ સ્ટેશન પાસે જ આખો દિવસ નાના-મોટા ખાનગી વાહનોનો જમાવડો હોય છે. અને તેના કલિનરો રાજકોટ, પાલિતાણા, અમરેલી,જામનગર જવાની બૂમો પાડતા હોય છે. જેને કારણે એસ.ટી.ના મુસાફરો આ ખાનગી વાહનો તરફ ખેંચાતા હોય છે. તાજેતરમાં જ રાજય પરિવહન વિભાગે રાજયમાં અનેક નાની એસ.ટી.ઓ અનેક ડેપોને આપી છે. અને આ નાની એસ.ટી.ઓ પણ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ખાનગી વાહનોને ઊભા રાખીને ખુલ્લેઆમ પેસેન્જરોને બૂમો પાડવી એ નિયમની વિરુધ્ધ છે. આમ છતાં તંત્ર આ બાબતે સાવ ઉદાસીન હોય એવું મુસાફરોને લાગી રહ્યું છે. અને એસ.ટી.ને આર્થિક નુકસાન કરવાની પેરવી હોય એવું પણ અહીં આવતા મુસાફરોને લાગી રહ્યા છે. આ અંગે એસ.ટી. વિભાગના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી, આ પ્રથા બંધ કરાવે તે એસ.ટી.ના જ હીતમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here