હરેશ બુધેલીયા
સિહોર શહેરમાં છેલ્લા ઘણાં સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલું બજાર શુક્રવારના રોજ આજે ધનતેરસના દિવસે બજારમાં જમાવટ કરી દેતાં ધંધાર્થીઓના મોં ઉપર ખુશીની લહેર પ્રસરી ગઈ છે, આમેય ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું પૌરાણિક મહત્વ રહ્યુ છે, જેથી આજના શુકનવંતા દિવસે મોંઘવારી અને જીએસટીની અસર વચ્ચે સિહોર શહેર અને પંથકના લોકોએ ધુમ દાગીના અને સોનાની ખરીદી કરી હતી, તો વાહન બજારમાં પણ ધમધમાટ થયો છે, સુત્રોના જણાવ્યા અનુસાર આજના પવિત્ર દિવસે ટુ વ્હીલર, કાર, ટ્રેકટર સહિતના વાહનો ધુમ વેચાયા છે. છેલ્લા ઘણાં દિવસથી નિરાશ થયેલા કાપડના વેપારીઓ પણ આજે ધનતેરસના દિવસે સતત વ્યસ્ત જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી દિવાળીની ચમક દેખાતી ન હતી પરંતુ આજે બજારમાં ઉમટી પડેલી ભીડે જાણે બજારને ચાર્જ કરી દીધુ હતુ. દિવાળીને આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે બજારોમાં ધમધમાટ શરૂ થઈ જતાં ચારેય તરફ ભીડ જ ભીડ જોવા મળી રહી છે, અને એમાંય આજે ધનતેરસે તો રીતસર સોના-ચાંદીના જવેલર્સની નાની મોટી દુકાનો તેમજ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર શો રૂમ ઉપર લોકો શુકનવંતી ખરીદી કરવા ઉમટી પડયા હતા. આમ તો માહોલ મંદીનો ચાલી રહ્યો છે, પરંતુ ધનતેરસ શુકનવંતો દિવસ હોવાથી લોકોએ ઉત્સાહપુર્વક વાહનો ખરીદ કરીને દિવાળીના તહેવાર અને નવા વર્ષના જાણે વધામણા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here