ભાજપ શહેર પ્રમુખ બનવા ૧૨ દાવેદાર મેદાનમાં, એક જ સમાજના બે લડવીરોમાં ત્રીજો ફાવશે તે નક્કી

હરીશ પવાર
સિહોર ભાજપના પ્રમુખ પદ માટે ટૂંક સમયમાં જ જાહેરાત થવાની હોવાથી જુદાજુદા નામો માટે અટકળો થઇ રહી છે ભાજપના પ્રમુખ પદ માટે પ્રદેશ મોવડી મંડળની ટીમ સમક્ષ ૧૨ થી વધુ ઉમેદવારોએ દાવો કર્યો છે પ્રમુખનો હોદ્દો મેળવવા રેસમાં રહેલા ઉમેદવારો છેલ્લી ઘડી સુધી પ્રદેશ કક્ષાના મોવડીઓ મારફતે દબાણ લાવી રહ્યા છે. પ્રદેશની ટીમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અહેવાલ રજૂ કર્યા છે.થોડા દિવસોમાં જ પ્રમુખ પદ માટેના નામની જાહેરાત કરવામાં આવનાર હોવાથી કાર્યકરોમાં પણ કોણ પ્રમુખ બનશે તે બાબતે ઉત્તેજના સર્જાઇ છે તેને લઈ હાલ રાજકીય લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક અગ્રણીઓએ પ્રદેશ કક્ષાએ ભલામણો પણ કરી છે ત્યારે ભલામણો ચાલશે કે અનુભવી વ્યકિતને પ્રમુખ બનાવાશે ? તેમ રાજકીય લોકોમાં ચર્ચાય રહ્યુ છે. ભાજપની પાર્લામેન્ટની બેઠકમાં પ્રમુખના નામ નક્કી કરવામાં આવશે. હાલ શહેર અને તાલુકામાં પ્રમુખ કોણ બનશે ? અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ કોઈ અગ્રણીઓ હજુ મગનુ નામ મરી પાડતા નથી. જિલ્લાના ભાજપના ત્રણ મોટા નેતાઓ તેઓની નજીકના વ્યકિતને પ્રમુખ પદ પર બેસાડવા એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે અને ભારે ખેંચતાણ ચાલી રહી હોવાનુ કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે ત્યારે કોણ હાથ ઉપર રહે છે ? તેની રાહ જોવી જ રહી. જોકે એક જ સમાજના બે લડવીરો મેદાનમાં ભારે એટીચોંટીનું જોર લગાવી રહ્યા છે તેમ ત્રીજો મેદાન મારી જાય તેવી પણ શકયતાઓ રહેલી છે.