આકાશમાંથી વાદળો વિખરાતા રાહત, મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીના ચમકારાનો અનુભવ આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતામાં વધારો થવાની સંભાવના, ગરમ વસ્ત્રોના સ્ટોલો લાગ્યા

બ્રિજેશ ગૌસ્વામી

સિહોર સાથે સમગ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમે ડગલે શિયાળાની જમાવટ થઈ રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી વાતાવરણ ઠંડુગાર બની જતા શિયાળાની ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે ખુશનુમા વાતાવરણને લઈને સ્વાસ્થ્યપ્રેમીઓ મોર્નીંગ વોક સહિત હળવી કસરતો કરતા નજરે પડી રહ્યા છે. આગામી સપ્તાહ દરમ્યાન ધીમે-ધીમે ઠંડીમાં વધારો થશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચાલુ વર્ષે મેઘરાજાએ લાંબી ઈનીંગ રમતા નવેમ્બર માસના પ્રથમ સપ્તાહ સુધી સિહોર સાથે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તેમાંય મહા વાવાઝોડાની અસરને લઈને જિલ્લામાં ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપાટ વરસ્યા હતા. જો કે ત્યારબાદ વાવાઝોડાની અસર નરમ પડતા ગત સપ્તાહ દરમ્યાન જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. જેને લઈ જિલ્લામાં ઋતુજન્ય બિમારીઓના કેસો વધવા પામ્યા હતા. જો કે છેલ્લા બે દિવસથી અચાનક ઠંડા પવનો ફુંકાવાના કારણે ઠંડીનો ચમકારો અનુભવાતા જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે. ધીમે-ધીમે શિયાળો જમાવટ  કરી રહ્યો હોય તેવું વાતાવરણ જિલ્લામાં જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસથી તેજ પવનો ફુંકાવાની સાથે ઠંડીનો ચમકારો જોવા મળતા વહેલી પરોઢે કેટલાક લોકો ગરમ વસ્ત્રો ધારણ કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી પરોઢ સુધી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ધીમે ડગલે ઠંડીની શરૂઆત થઈ રહી છે ત્યારે સ્વાસ્થ્ય પ્રેમી લોકો પણ વહેલી પરોઢે મોર્નીંગ વોક સહિત હળવી કસરતો કરતા નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને નોંધનીય બાબત એ પણ છે કે શિયાળા માટે ખાસ ગરમ વસ્ત્રોના શહેરમાં કેટલીક જગ્યાઓ પર સ્ટોલો લાગી ચુક્યા છે અને લોકોની ખરીદી પણ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here