શહેરમાં સુરક્ષા શાંતિ જળવાઈ રહે તેવી મા ભવાની ના ચરણોમાં પ્રાર્થના

દેવરાજ બુધેલીયા
આજે દશેરા એટલે કે વિજયાદશમી. આજના દિવસે ભગવાન રામે રાવણ નો વધ કરીને અસત્ય ઉપર સત્ય ની જીત મેળવી હતી અને શસ્ત્ર દ્વારા દેશની સીમાઓની રક્ષા કરનારાઓ કે કોઇપણ કાર્ય માટે શસ્ત્રનો ઉપયોગ કરનાર માટે આ દિવસ અતિ મહત્વપુર્ણ હોય છે. આ દિવસે દરેક પોતાનાં શસ્ત્રનું પૂજન કરે છે કારણ કે આ શસ્ત્ર જે તેમના પ્રાણોની રક્ષા કરે છે પણ તે સાથે તેમના ભરણ- પોષણ અને ગુજરાન પણ ચલાવે છે. આથી લોકો શસ્ત્રોમાં જ દેવીનો વાસ માનીને તેમનું પૂજન કરે છે. શસ્ત્રપૂજન પાછળ એવો ભાવ હોય છે કે દેવી અમારા પ્રાણોની રક્ષા કરે અને આ શસ્ત્રથી પોતાને શત્રુઓથી બચાવે.ત્યારે આજના દિવસે રાજ્યના તમામ પોલીસ મથકો ઉપર પોલીસના હથિયારો નું વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. સિહોરમાં પણ આજે પોલીસ મથકે સિહોર પોલીસ મથકોમાં રહેલ હથિયારો નું વિધિવત રીતે શાસ્ત્રોક વિધાન સાથે શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યું હતું. સિહોર પોલીસના અધિકારીઓ અને તમામ સ્ટાફ આજના પૂજન માં જોડાઈને મા ભવાની ના ચરણોમાં શહેર તેમજ દેશમાં શાંતિ સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થના મા ના ચરણોમાં કરી હતી. સિહોર પોલીસ મથક આજે ભક્તિ ના વાતાવરણ થી છવાઈ ગયું હતું.