વહેલી સવારથી મોડી રાત્રી સુધી અનેક ધાર્મિક કાર્યક્રમો, મહાપ્રસાદ સહિતના આયોજનો થયા

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને જિલ્લાના મંદિરોમાં વિરપુરના સંત જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી ઉત્સાહ અને શ્રધ્ધા પુર્વક કરવામા આવી હતી. સિહોર સહિત જિલ્લામાં રહેતાં લોહાણા સમાજના લોકોએ એક જગ્યાએ ભેગા થઈને બાપાની જન્મ જયંતિની ઉજવણી કરી હતી સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી માટે વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ શરૃ થઈ ગઈ હતી. શહેર અને જિલ્લાના મંદિરોમાં સવારથી જ આરતી બાદ યજ્ઞા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમ શરૃ થયા હતા. દરેક મંદિરોમાં બાપાની જન્મ જયંતિ અલગ-અલગ રીતે ઉજવાઇ હતી. કેટલાક મંદિરોમાં બપોરે મહાપ્રસાદી તો કેટલાક મંદિરોમાં સાંજે ભક્તો માટે મહાપ્રસાદી રાખવામાં આવી હતી જિલ્લામાં કેટલાક સ્થળોએ ઉજવણી પહેલાં ભક્તો દ્વારા બાપાના ફોટા સાથે શોભાયાત્રા પણ નીકળી હતી. આ ઉપરાંત મંદિરોમાં ૫૬ ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા. જેના દર્શન માટે જલારામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સાંજના સમયે મંદિરમાં મહા આરતી બાદ ભંડારા ઉપરાંત ભજન અને ડાયરાની રંગત જામી હતી. જિલ્લામાં વસતા લોહાણા સમાજના લોકોએ ભેગા થઈને જન્મ દિવસની ઉજવણી કરી હતી.