હરેશ પવાર
હીરા ઉદ્યોગ, અલંગ બાદ જિલ્લામાં રોલીંગ મીલોને પણ મંદીનું ગ્રહણ લાગતા કેટલીક મીલો છેલ્લા 11 માસથી બંધ કરી દેવામાં આવી હતી. બાકીની જે મીલ શરૂ હતી. તેને છ માસથી મંદીના કાટ લાગ્યો હોય તેમ સ્ટીલના સળિયા વગેરેની લેવાલી અને માગ ઘટવાને કારણે એક-બે શિફ્ટમાં જ રોલીંગ મીલો ચાલતી હતી. પરંતુ હવે દિવાળી બાદ આ ઉદ્યોગ ફરી ધમધમતો થવાના અણસાર દેખાઈ રહ્યા છે. બંધ પડેલી અડધો અડધ મીલોના પણ તાળા ફરી ઉઘડશે તેવું રોલીંગ મીલના ઉદ્યોગકારો માની રહ્યા છે. સ્ટીલ રોલીંગ મીલનું મુખ્ય હબ સિહોર છે. ત્યારબાદ મામસા, વરતેજ અને ચિત્રા જીઆઈડીસીમાં પણ રોલીંગ મીલો આવેલી છે. આ ચાર સ્થળે આશરે 80 થી 85 રોલીંગ મીલ પૈકીને 20 થી 25 સ્ટીલ રોલીંગ મીલ મંદીને કારણે જાન્યુઆરી અને ત્યારબાદ માસથી બંધ પડી છે. આ કપરા સમયમાં રોલીંગ મીલોના માલિકોને પરવડે તેવું ન હોવાથી મીલોને અલીગઢી તાળા મારી દેવાયા હતા. જો કે, હવે સ્ટીલ રોલીંગ મીલની ચમક પાછી આવશે તેવું લાગી રહ્યું છે.  લાભ પાંચમ બાદ કેટલીક મીલોમાં કામ ધમધમતું થવા લાગ્યું છે. તો જે મીલો બંધ પડી હતી. તેમાંથી પાંચથી દસ જેટલી મીલો નવેમ્બર માસના અંત સુધીમાં ફરી શરૂ થઈ જશે. આ ઉપરાંત ઈન્ડકશન ફર્નેસ પણ શરૂ થવા લાગ્યા હોવાનું જાણકારો કહીં રહ્યા છે. અત્યારે થોડી મંદી વર્તાઈ રહી છે. જેના કારણે મીલોમાં હાલ ફુલ પ્રોડક્શન નથી ચાલી રહ્યું. જો કે, આ ઉદ્યોગ ધીમીગતિએ તેજી પકડી લેશે તેવી રોલીંગ મીલ માલિકોને આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here