પાલીતાણા ગારીયાધાર તાલુકામાંથી એક પણ અરજી ન થઈ

હરેશ પવાર
ચાલુ વર્ષે સારો વરસાદ થયો હતો તેથી ખેતી પાક સારો થવાની ખેડૂતોને આશા હતી અને ખેડૂતો ગેલમાં હતા પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યુ હતુ તેથી પાકને નુકશાન થયુ હતું. આ ઉપરાંત વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયુ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જિલ્લાના ખેતીવાડી વિભાગમાં પાકના નુકશાનની અનેક ફરિયાદ આવી છે તેથી હાલ ખેતીવાડી વિભાગ અને વિમા કંપનીએ પાક સર્વેની કામગીરી હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે સિહોર સહિત રાજ્યભરમાં વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ પડતા ખેતીના પાકને ખુબ જ નુકશાન થયુ હતુ તેથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને ખેતીના પાકને થયેલ નુકશાનનુ વળતર આપવા માંગણી ઉઠી હતી. આ બાબતે રાજ્ય સરકારે ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી હતી અને પાકને નુકશાન થયુ હોય તે ખેડૂતોને અરજી કરવા જણાવ્યુ હતુ, જેમાં સિહોર સાથે ઘોઘા, મહુવા, તળાજા, ભાવનગર, જેસર, વલભીપુર, ઉમરાળા એમ કુલ 8 તાલુકામાંથી આશરે 2607 ખેડૂતોએ પાક નુકશાન અંગેની અરજી કરી હતી. આ અરજીના આધારે ભાવનગર જિલ્લાના ખેતીવાડી વિભાગ અને વિમા કંપનીના કર્મચારીઓએ ખેતીના પાકને નુકશાનની સર્વે કામગીરી હાથ ધરી હોવાનુ ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવેલ છે. જિલ્લામાં હાલ સર્વે કામગીરી શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ સર્વે કામગીરીનો રીપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. રાજ્ય સરકાર સર્વેને આધારે વળતર ચુકવવા સુચના આપશે તેમ જાણવા મળેલ છે. ખેડૂતોને વળતર કયારે અપાશે? તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી નોંધનીય બાબત એ પણ છે કે પાલીતાણા ગારીયાધાર વિસ્તારમાંથી એક પણ અરજી આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here