સરકારે વૈશ્વિક ડિઝાઈનના મેથળા બંધારાની કરી જાહેરાત, રૂ.૧૩૭ કરોડ ના ખર્ચે નિર્માણ પામશે આધુનિક મેથળા બંધારો, જમીનોમાં ખારાશનું પ્રમાણ ઘટી જતા ખેતી સમૃદ્ધ બની.

ત્રણેય ઋતુમાં સારો પાક હાલ ખેડૂતો લઇ રહ્યા છે, આ વિસ્તારમાં પાણીના તળ ઉચા આવી ગયા છે, ૮૬૧ હેક્ટર જમીન બંધારા માટે સંપાદન કરવામાં આવશે, લોકોનું આ વિસ્તારમાંથી થતું સ્થળાંતર અટકી જશે.

સલીમ બરફવાળા
બહુચર્ચિત મેથળા બંધારો કે જેને ૧૨ થી વધુ ગામોના ખેડૂતોએ આજથી બે વર્ષ પહેલા રૂ.૫૦ લાખના સ્વ.ખર્ચે તૈયાર કર્યો હતો પરંતુ આજે મેથળા બંધારો શું છે એ જાણવું જરૂરી છે. બાર ગામોમાંથી પસાર થતી બગડ નદીનું પાણી દરિયામાં વહી જાય છે,જયારે દરિયાની ભરતી સમયે તેનું ખારું પાણી આ નદીમાં પરત ફરતું હોય આ નદીના પાણીમાં ખારાશ ભળી જતા આ વિસ્તારની કિંમતી જમીન બિનઉપજાવ બની ગઈ હતી.જેથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા સરકાર પાસે બંધારો બાંધી આપવાની લાંબા સમયથી રજૂઆત હતી. તંત્ર યોગ્ય ડીઝાઈન ના અભાવે તેની મંજુરી આપતું ના હોય ગામલોકોએ બે વર્ષ પહેલા ૧ કિમી લાંબો આ બંધારો જાતે બાંધી સ્વ.ખર્ચે તૈયાર કર્યો હતો.

જેના સારા પરિણામો આજે આ વિસ્તારના ખેડુતોને મળી રહ્યા છે. ખેડૂતોએ બાંધેલો માટીનો બંધારો દરિયાના ખારા પાણીને પરત ફરતા અટકાવવામાં સફળ રહ્યો અને મીઠા પાણીનું હજારો હેક્ટરનું સરોવર આજે આ વિસ્તારના ખેડૂતો માટે ફાયદારૂપ બની ગયું છે. કુવાઓ ના તળ ઉચા આવી ગયા,આ વિસ્તારોમાં પીવાના પાણીની હાલ કોઈ સમસ્યા નથી, ખેતરો અને વાડીઓ ફરી જીવંત બની જતા ચોમાસા ઉપરાંત શિયાળુ અને બાદમાં ઉનાળુ પાક પણ લઇ શકાશે અને આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી નજરે પડી રહી છે ત્યારે સરકારે આ માટીના બંધારાની ઉપરના ભાગે રૂ. ૧૩૭ કરોડના ખર્ચે તૈયાર થનાર સિમેન્ટ કોન્ક્રીટના બંધારા ને મંજુરી આપી દીધી છે.

જેના સર્વેની કામગીરી થોડા દિવસો પહેલા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બંધારો વૈશ્વિક ડીઝાઈન અનુસાર બનશે જેમાં લંબાઈ અને ઉંચાઈ નું ખાસ ધ્યાન રાખવામાં આવશે.આ બંધારા માટે વનવિભાગની ૬૦૦ હેક્ટર તેમજ ૨૬૧ હેક્ટર ખાનગી ખેડૂતો ની જમીન ડૂબમાં જશે. જેમાં વનવિભાગને આ જમીન બદલે નવી જમીન અન્ય જગ્યા પર આપી દેવામાં આવી છે જયારે ખેડૂતો ને સાથે સંપાદન ની કાર્યવાહી હાલ શરુ છે જે પૂર્ણ થયે આ બંધારા ની કામગીરી હાથ ધરવામાં આવશે. ખેડૂતોએ બાંધેલા માટીના બંધારાથી આ વિસ્તારની જમીનોમાં ખારાશ ઓછી થવા પામી છે અને ખેતી લાયક જમીનો બની જતા હાલ આ વિસ્તાર હરિયાળો બની ગયો છે અને ખેતરો માં ત્રણેય ઋતુમાં પાક લઇ શકાય છે ત્યારે નવા બંધારા બાદ આ વિસ્તારની જમીન અતિ ફળદ્રુપ અને કીમતી બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here