અહેમદભાઈના નિધનથી કોંગ્રેસ પાર્ટીને રાજ્યસભામાં પણ નુકશાન

મિલન કુવાડિયા
કોંગ્રેસના ‘ચાણક્ય’ અહેમદભાઈ પટેલના અવસાન બાદ તેમની ખોટ પાર્ટીને કાયમ રહેશે રાજ્યસભામાં પણ કોંગ્રેસને નુક્સાન થઈ શકે છે. 2017માં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદભાઈ  પટેલના વિરુદ્ધ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આમ છતાં ભાજપ નિષ્ફળ નીવડ્યું હતું. જો કે હવે તેમના અવસાન બાદ આ બેઠક પર ભાજપની નજર છે. આથી જ ભાજપ દ્વારા આ રાજ્યસભા બેઠક પર  ડિસેમ્બર મહિના ચૂંટણી યોજવા માટે ક્વાયત હાથ ધરવામાં આવી છે.૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ ઉમેદવાર અહેમદભાઈ પટેલને હરાવવા માટે ભાજપએ ભારે ધમપછાડા કર્યાં હતા.

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પાસે રાજીનામાં પડ્યાં, છતાં છેલ્લી ઘડીએ અહેમદભાઈ  પટેલનો વિજય થયો હતો. ભાજપના “ચાણક્ય” અને તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહે પણ એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં તેઓ અહેમદભાઈ  પટેલને હરાવી નહતા શક્યા. અહેમદભાઈ  પટેલને પણ કોંગ્રેસના સંકટ મોચક માનવામાં આવતા હતા.

તેમણે અનેક એવી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કોંગ્રેસને ઉગારી હતી. હવે જ્યારે કોંગ્રેસ પાસે અહેમદભાઈ  પટેલ નથી રહ્યાં, ત્યારે એવામાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી મૂડ બનાવી દીધો છે.એવું મનાય છે કે, બિહારમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાન બાદ ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે.

આથી એજ દિવસે ગુજરાતની પણ ખાલી પડેલી રાજ્યસભા બેઠક  પર ચૂંટણી યોજવા માટે ભાજપે  ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે  ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતા આ એક ખાલી બેઠક પર યોજાનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત નક્કી મનાય છે. જો ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તો, ભાજપને જે પણ ઉમેદવાર ઉભો રહે તે બિનહરિફ ચૂંટાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here