ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવતા ખાડામાં પલ્ટી મારી ગયું, પલ્ટી માર્યા બાદ ટ્રેકટરમાં આગ ભભૂકી ઉઠી, ટ્રેક્ટર માં સવાર ૪ લોકો પૈકી ૩ નીચે દબાયા.

ત્રણેય યુવાનો આગમાં બળીને ખાખ, એક નો આબાદ બચાવ, એસપી. ડીવાયએસપી સહિતનો કાફલો દોડી ગયો, સવાઈનગરમાં શોક છવાયો.

સલીમ બરફવાળા
ભાવનગર નજીક ગત મોડીરાત્રીના એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં ભડભીડ ગામેથી ટ્રેકટરની ટ્રોલી મૂકી અને ટ્રેકટર પર પોતાના ગામ સવાઈનગર પરત ફરી રહેલા ૪ લોકોને માઢિયા નજીક એક અકસ્માત નડ્યો હતો.જેમાં કોઈ કારણોસર આ ટ્રેકટરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડની એક સાઈડ ના ખાડામાં પલ્ટી મારી ગયું હતુ. જેમાં ટ્રેકટર પર સવાર ૪ લોકો પૈકી ૩ લોકો ટ્રેકટરની નીચે દબાઈ ગયા હતા જ્યારે એક નો આબાદ બચાવ થયો હતો.આ ટ્રેકટર પલ્ટી મારી ખાડામાં પડ્યા બાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી અને જેમાં ટ્રેકટર નીચે દબાયેલા (૧) ભરત મકવાણા,ઉ.વ.૩૪ (૨) તેજાભાઇ પ્રાગજીભાઈ વાઘેલા,ઉ.વ.૪૦ (૩) જીગ્નેશ દુદાભાઇ બારૈયા તમામ રહે. સવાઈનગર વાળા આગમાં ભડથું થઈ ગયા હતા.

જ્યારે મહેશ જેન્તીભાઈ વાઘેલા નો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેકટર પલ્ટી માર્યા બાદ ટ્રેકટરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ સમયે ત્યાં બચી ગયેલા મહેશ પણ લાચાર બની ગયો હતો અને તાકીદે આ બનાવની જાણ ભાવનગર ફાયરને કરતા ફાયર સ્ટાફ પણ ત્યાં દોડી ગયો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં આગ આ ત્રણેય યુવાનોને રાખ કરી ચુકી હતી.આ બનાવ ના પગલે આજુબાજુના ગામના લોકો અને સવાઈનગર સરપંચ સહિતના લોકો ત્યાં દોડી ગયા હતા જ્યારે એસ.પી,ડી.વાય.એસ.પી પણ ત્યાં દોડી ગયા હતા અને બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here