ખેડૂતોની રજીસ્ટ્રેશન અંગેની મુશ્કેલી નિવારવા તલાટી કમ મંત્રી તથા ગ્રામસેવકોને પણ

કામગીરીના સુચારૃ આયોજન અર્થે તાલુકા દીઠ વર્ગ-૧ તથા વર્ગ-૨ના અધિકારીઓને આદેશ કરાયાં


હરેશ પવાર
વીસીઈ હડતાલ પર જતા લઘુત્તમ ટેકાના ભાવે મગફળી માટે રજીસ્ટ્રેશન તથા કૃષિ રાહત પેકેજ માટે ઓનલાઈન અરજીની કામગીરીમાં ખેડૂતોને મૂશ્કેલી પડી રહી છે તેથી તલાટી કમ મંત્રી તથા ગ્રામસેવકોને પણ હવે રજીસ્ટ્રેશનની કામગીરીની સત્તા સોંપવામાં આવી છે. તલાટી કમ મંત્રી તથા ગ્રામસેવકોને કામગીરી સોંપવામાં આવતા ખેડૂતોને થોડી રાહત થશે તેમ જણાય રહ્યુ છે.

ભાવનગર જિલ્લાના ખેડુતોને જણાવવાનુ કે, ગત તા.૦૧ ઓકટોબર ૨૦૨૦ થી લઘુતમ ટેકાના ભાવે મગફળી માટે રજીસ્ટ્રેશન તથા કૃષિ રાહત પેકેજ માટે ઓનલાઇન અરજી કરવા માટે ગ્રામપંચાયત ખાતે વીસીઈને સતા આપવામાં આવેલ હતી. તે ઉપરાંત હવેથી ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી તથા ગ્રામસેવકોને પણ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન કરવા અને કૃષિ રાહત પેકેજમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે સતા આપવામાં આવેલ છે તેમજ દરેક તાલુકા ખાતે વર્ગ-૧ તથા વર્ગ-૨ ના અધિકારીઓને સદર કામગીરીના સુચારૃ આયોજન તેમજ અમલવારી માટે નિમણુંક અંગેના આદેશ કરવામાં આવ્યાં છે,

તો તમામ ખેડુત ભાઈઓ વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા માટે નજીકની ગ્રામપંચાયત ખાતેથી રજીસ્ટ્રેશન કરવા માટે સંબધિત ગામના તાલાટી મંત્રીનો સંપર્ક કરી શકશે તેમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે. આજે રવિવારે રજાના દિવસે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી શરૃ રાખવામાં આવી હતી તેથી રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતોની કતાર લાગી હતી. વીસીઈની હડતાલ પૂર્ણ નહી થાય તો તલાટી કમ મંત્રી તથા ગ્રામસેવકોને કામગીરીનુ ભારણ વધશે તેમ જણાય રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here