સૌરાષ્ટ્રવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળશે દિવાળી ભેટ, સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક લેતી હજીરા-ઘોઘા માર્ગ મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરી કરી શકશે


મિલન કુવાડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતા રવિવારના દિવસે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો-રો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે ૨૦ લાખ લોકો સહિત દક્ષિણ ગુજરાતનાં લોકો માટે આ રો-પેક્સ ફેરી સેવા પ્રધાનમંત્રી શ્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે. હાલમાં સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવા શરૂ થયા બાદ આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે.

વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. એ જ રીતે, દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે. તેમના માટે સોમનાથ મંદિર, સાસણગીર, ગીરનાર, દ્વારકા, શેત્રુંજય, જામનગરના ઇકો ટુરીઝમ કે રાજકોટના વેપારી મથકો સુધી પહોચવું સુગમ બનશે. ફેરી સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં બંદર ક્ષેત્ર, ખાતર અને ફર્નિચર ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળશે.

આમ આ સેવા સૌરાષ્ટ્ર અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે ૫ લાખ મુસાફરો, ૮૦ હજાર પેસેન્જર વાહનો, ૫૦ હજાર ટુ-વ્હીલર અને ૩૦ હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર ૯૦ કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે ૯,૦૦૦ લીટર ઇંધણની બચત થશે.

જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ ૩ ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન ૨૪ એમટી કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે.રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવર જવર સસ્તી અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.

સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here