રોવર હાર્દ દેશનો એકમાત્ર પ્રતિનિધિ, યુએઇના શારજહાં ખાતે ૯ મી આંતરરાષ્ટ્રીય સ્કાઉટ મીટનું આયોજન

ભારતની વિવિધતામાં એકતા, ફૂડ અને કલચરલ એક્ટિવિટીનું પ્રેઝન્ટેશન કરશે, ભાવનગરના સ્કાઉટ કેડેટ્સ વિશ્વભરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે

સલીમ બરફવાળા
આગામી તા. ૧૦ ફેબ્રુઆરી થી ૧૯ ફેબ્રુઆરી શારજહાં ખાતે ૯ માં આંતરરાષ્ટ્રીય કેમ્પનું આયોજન થનાર છે. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ ભાવનગરને પ્રાપ્ત થયું છે. ભાવનગરનો હાર્દ પંડ્યા યુ.એ.ઈ( શારજહાં) ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર ભારતમાંથી એકમાત્ર ભાવનગરના રોવર હાર્દ પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગરમાં અનેક રમતવીરોનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે એટલેકે વિષય કોઈ પણ હોય ભાવનગરનું નામ હંમેશા અગ્રેસર હોય છે,કલા હોય કે રમત ગમત ભાવેણાનું નામ હંમેશ ઝળકતું રહ્યું છે.

ત્યારે યશકલગીમાં એક મોરપીંછનો ઉમેરો કરવા ભાવનગરના એક રોવરની પસંદગી કરવામાં આવી છે. ભાવનગરના રોવર હાર્દ પંડ્યાની આગામી તા. ૧૦ ફેબ્રુઆરી થી ૧૯ ફેબ્રુઆરી દરમ્યાન શારજહાં ખાતે યોજાનાર ૯ માં આંતરરાષ્ટ્રીય કેમ્પ માટે તેની એકમાત્ર પસંદગી થઇ છે. વિશ્વ શાંતિના ઉમદા હેતુથી યુ.એ.ઈ (શારજહાં) ખાતે યોજાઈ રહેલી સ્કાઉટ મીટમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે જેમાં વિવિધતામાં એકતા, ફૂડ કલચર અને કલચરલ એક્ટિવિટી અંગે ભારત વતી પ્રેઝન્ટેશન કરશે.

1923માં ભાવનગર ખાતે સ્કાઉટ પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને પ્રભાશંકર પટ્ટણીને સ્કાઉટ પ્રવૃત્તિ ખૂબ જ પ્રિય હતી, માનભાઈ ભટ્ટની શિશુવિહાર સંસ્થા ખાતે શરૂ થયેલી આ પ્રવૃત્તિને ઊંચાઈએ લઈ જવા ભાવનગરના અનેક મહાનુભાવોનો અનન્ય ફાળો છે. દિન પ્રતિદિન વિસ્તરતી આ પ્રવૃત્તિમાં શહેરના અસંખ્ય કેડેટ્સનું અનેરું યોગદાન રહેલું છે જેના કારણે ભાવનગરની છબી વિશ્વ ફલક પર છવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here