કાળીયાબીડ વિસ્તારમાં વિક્ટોરિયા પાર્ક પાછળના વિસ્તારમાં ઝાડ પર દોરડું બાંધી ગળેફાંસો ખાધો, મૃતક યુવાન ભાવનગરમાં હોસ્ટેલમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો

શંખનાદ કાર્યાલય
પાલીતાણા તાલુકાના આંકોલાળી ગામનાં યુવાને શહેરના વિક્ટોરિયા પાર્ક પાછળ એક ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર મચી છે. મૃતક યુવક ત્રણ મહિના પહેલા જ લગ્નગ્રંથિએ જોડાયો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વિક્ટોરિયા પાર્ક પાછળ કાળીયાબિડ વિસ્તારમાં માધવાનંદ આશ્રમ પાસે એક ઝાડ પર યુવાનનો મૃતદેહ લટકતો જોવા મળતાં લોકોએ એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લાશને નીચે ઉતારી તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક પાલીતાણા તાલુકાના આંકોલાળી ગામનો ઈન્દ્રજીત હિંમતભાઈ ખસીયા ઉ.વ27 વાળો હાલ ટોપ-થ્રી સિનેમા સામે આવેલ હોસ્ટેલમાં રહી અભ્યાસ સાથે સરકારી નોકરી માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ઓની તૈયારી કરતો હોવાનું.

ગત તા.30.1 ના રોજ સાંજે મિત્રો સાથે બાઈક લઈને નિકળ્યા બાદ ગુમ થયો હોવાનું ખુલવા પામ્યું હતું. મૃતક યુવાન ભાઈ- બહેનમા સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે આશાસ્પદ યુવાને એકાએક આવું અજુગતું પગલું કેમ ભર્યું એ અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ મૃતકના પરિજનો સાથે વાતચીત દરમ્યાન એવું જણાવ્યું હતું કે મૃતકના હજું ત્રણ માસ પૂર્વે જ પાલીતાણા તાલુકાના હાથસણી ગામે લગ્ન થયા હતા અને મૃતકની પત્નીને પિયરીયાઓ રિવાજ મુજબ પિયરમાં તેડી લાવ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી મૃતકને તેની પત્ની સાથે મનદુઃખ ચાલી રહ્યું હોય જેથી વ્યથિત ઈન્દ્રજીતે આવેશમાં આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આ અંગે એ-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here