18,000 ફૂટની ઉંચાઇના હિમાલયના પર્વતની ટોચ પહોંચ્યા ભાવનગર શહેરના ઇજનેર

સિંચાઇ વિભાગમાં ફરજ બજાવતા ઇજનેરે સતત બરફ વર્ષા વચ્ચે દાખવ્યું કૌશલ્ય ; અનેકવિધ પડકારો ઝીલીને અદમ્ય સાહસ દર્શાવી દૂર્ગમ પહાડને સર કર્યો

હરિશ પવાર
ભાવનગર સિંચાઈ યોજના વિભાગમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતાં નચિકેતા ગુપ્તાએ હાલમાં જ રાષ્ટ્રીય કક્ષાનો એડવાન્સ માઉન્ટેનીયરીંગ કોર્સ, પ્રતિષ્ઠિત હિમાલયન માઉન્ટેનીયરીંગ ઇન્સ્ટિટયૂટથી સફળતાપૂર્વક પૂર્ણ કરવાં સાથે સિક્કિમ, હિમાલયમાંના ખૂબ જ કપરા એવાં આકરા ઢાળવાળા સર કરવામાં દૂર્ગમ એવાં અને 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલ હિમાલયના બી.સી. રોય પર્વતની ટોચ પર પહોંચી ગુજરાત રાજ્યનો પરચમ લહેરાવ્યો છે.આ પર્વતની ટૂંક પશ્ચિમ સિક્કિમમાં નેપાળને સ્પર્શતી બોર્ડર પાસે આવેલ છે. બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે યુક્શુમથી શરૂ કરી પ્રથમ શોકા (10,000 ફીટ) પછી જોંગરી(13000 ફૂટ) અને અંતે ચૌરીખાંગ બેઝ કેમ્પ (15000 ફૂટ ) સુધી પહોંચવાનું હતું.

જે ભૌગોલિક રીતે ખૂબ જ કપરા ઢાળવાળો 40 કી.મી નો ટ્રેક છે. ત્યાંથી એડવાન્સ બેઝ કેમ્પ (16,500 ફૂટ) સુધી પહોંચવાનું હોય છે.આ યાત્રા સતત 4 દિવસની પડકાર ભરી સફર હોય છે. સંપૂર્ણ તાલીમ અને બી.સી. રોય ચોટીના ચઢાણ માટે કુલ એક મહિનાનો સમય લાગે છે. આ માટેની પૂર્વ તૈયારી માટે પાંચ મહિના જેટલો ગાળો સખત મહેનત કરવી પડે છે. ક્યારેક મુશળધાર વરસાદ હોય તો ક્યારેક 10-10 દિવસના સતત બરફ વર્ષા. માઈનસ 15 થી 20 ડિગ્રી જેટલું નીચું તાપમાન શારીરિક રીતે પડકાર ઉભો કરતું હોય છે અને રાશન – પાણીની અછતને લઇને સતત ચિંતિત રહેતું પડતું હોય છે.

સતત ફૂંકાતા તોફાની પવન સામે 20 થી 25 કિલોનું વ્યક્તિગત બેગ લઈને સતત ચઢાણ પર આગળ વધતાં રહેવું સ્વયંને અગ્નિ પરીક્ષા સમાન છે. ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારી નચિકેતા ગુપ્તાએ પોતાની ધગશ અને પરિશ્રમથી બર્ફીલી રમતોમાં આગવી નામના મેળવેલી છે. તેઓ નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બરફમાં રમાતી રમત ગમત ક્ષેત્રે નૂતન કેડી કંડારનારા જૂજ ખેલાડીઓમાંના એક છે.તેમણે આપણે સાંભળ્યું પણ ન હોય તેવી બર્ફિલી સ્પર્ધાઓ સ્લાલોમ તથા જાઈન્ટ સ્લાલોમ જેવી સ્પર્ધાઓમાં આગવી પ્રતિભા બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here