જગતનો તાત વાવણી કાર્યમાં જોતરાયો, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ, મગફળી-કપાસ અને બાજરી જેવા પાકોનું કર્યું વાવેતર, અત્યાર સુધીમાં ૧૮,૦૦૦ હેકટરમાં ખેડૂતો આગતર વાવેતર કરી ચુક્યા છે, ગત વર્ષે કપાસના સારા ભાવો મળતા આ વર્ષે પણ કપાસનું મબલક વાવતેર ખેડૂતો કરી રહ્યા છે.
સલીમ બરફવાળા
ભાવનગર જીલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસી જતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે. ભીમ અગિયારસ બાદ ભાવનગર જીલ્લાના અનેક વિસ્તારોમાં સારા અને વાવણી લાયક વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે. આ વર્ષે ગત ચોમાસા કરતા મોડો વરસાદ છે.
પરંતુ “જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો” એ કહેવત મુજબ સારા વરસાદની આશા વ્યક્ત કરી બળદ ગાડા સાથે ખેતરોમાં પહોંચ્યા હતા અને પોતાના ખેતરોમાં મગફળી, બાજરી, કપાસ સહિતના બિયારણોનું વાવેતર કરી વાવણી કાર્યમાં જોડાયા છે. રાજ્યભરમાં જયારે ચોમાસાની ઋતુ સક્રિય બની છે ત્યારે ભાવનગર શહેર અને જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
જીલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી જતા આજથી મોટાભાગના ખેડૂતો વાવણી કાર્યમાં જોડાયા છે. જેમાં ખેડૂતો પોતાના બળદગાડા સાથે ખેતરે પહોચ્યા હતા અને બળદોને તિલક પૂજન કરાવી બળદોને સાતી સાથે જોડી વાવણી કાર્યનો પ્રારંભ કર્યો હતો. ખેડૂતો દ્વારા મગફળી, બાજરી અને કપાસ સહિતના બિયારણોનું વાવેતર કર્યું હતું. જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો કહેવતને અનુસરી ખેડૂતો જયારે વાવણી લાયક સારો વરસાદ વાવણીના પ્રારંભે જ પડ્યો છે.
ત્યારે પુરા ચોમાસા દરમ્યાન સમાયંતરે સારા અને સમયસર વરસાદ સાથે મબલક પાકની આશા કરી રહ્યા છે. તેમજ ગત વર્ષે જે પ્રમાણે કપાસના સારા ભાવો મળ્યા હતા ત્યારે આ વર્ષે પણ સારા ભાવો જળવાય રહેશે તેવી આશા સાથે મોટા પ્રમાણમાં કપાસનું વાવતેર પણ કરી રહ્યા છે. જયારે અનેક ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં શાકભાજીનું પણ વાવેતર કર્યું છે જે રોકડીયો પાક હોય જેથી ખેડૂતોને આર્થિક રાહત મળી શકે.