સિહોર સહિત સમગ્ર જિલ્લામાં ૧ એપ્રિલથી રાશન કાર્ડ ધારકોને મફત અનાજનું વિતરણ – જિલ્લા કલેકટર

મિલન કુવાડિયા
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૬૦ લાખ રેશનકાર્ડધારક પરિવારોના ૩ કરોડ ૨૫ લાખ લાભાર્થી પરિવારોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય હેઠળ સસ્તા અનાજના દરોની દુકાન પરથી મફત અનાજ આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ પ્રકારે રાશનકાર્ડ ધારક પરિવારોને અનાજ પૂરું પાડવામાં આવશે. હાલમાં ભાવનગર જિલ્લામાં કુલ રેશનકાર્ડ ધારકો 3,37,276 અને 17,11,874 લાભાર્થીઓને આ અંતર્ગત સાંકળી લેવાયા છે.

આ અંગે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં અનાજનો પુરવઠો પર્યાપ્ત રીતે લોકોને મળી રહે અને લોકોને કોઇ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. જિલ્લા કલેકટરશ્રીએ લોકોને અપીલ કરી હતી કે ભાવનગરવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો ઉપલબ્ધ છે. લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે અને જ્યારે સસ્તા અનાજની દુકાનો પર પહોંચે ત્યારે યોગ્ય અંતરે ઊભા રહી દુકાન પરથી પરિવાર માટે અનાજ પ્રાપ્ત કરે. જેથી કોરોનાના સંક્રમણની સાંકળ પણ આગળ ન વધે અને દરેક પરિવારોને પોતાની જીવનજરૂરી આવશ્યક વસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ય બની રહેે.

સાથે જ દુકાનદારો કોઈપણ પ્રકારની અનાજ, કરીયાણાની અન્ય વસ્તુઓનો સંગ્રહ ન કરે અને લોકો પણ પોતે સંગ્રહખોર ન બને, જો કોઈ દુકાનદાર સંગ્રહખોરી કરતાં જણાશે તો તેમના પર કડક પગલાં લેવામાં પણ આવશે. જીવનજરૂરી તમામ આવશ્યક વસ્તુઓ સરકારશ્રી દ્વારા આ સંપૂર્ણ લોકડાઉનના સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ કલેકટરશ્રીએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here