જૂનના ૭ દિવસ સામે જુલાઈમાં ૪.૭૧ ટકા ઓછો વરસાદ વરસ્યો

જિલ્લાનો સરેરાશ વરસાદ ૩૦.૨૨ ટકા, જૂનના અંત સુધીમાં ૨૫.૭૯ ટકા મેઘકૃપા થઈ હતી

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે જૂનના આરંભથી જ મેઘરાજા જોરદાર વરસ્યા હતા. ત્યારબાદ સત્તાવાર ચોમાસુ શરૃ થયા બાદ જિલ્લામાં વરસાદનું જોર ઘટી જતાં વરસાદના ધોરીમાસ ગણાતા અષાઢના પ્રથમ પખવાડિયામાં મોટાભાગના દિવસો કોરાધાકોડ રહ્યા હતા. જેના કારણે છેલ્લા સાત દિવસમાં જિલ્લામાં સરેરાશ વરસાદ માત્ર ૪.૪૩ ટકા જ નોંધાયો છે. જૂન માસમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જૂનના અંત સુધીમાં જિલ્લામાં ૨૫.૭૯ ટકા મેઘકૃપા વરસી ગઈ હતી.

પરંતુ જુલાઈ માસમાં મેઘાના રૃઠમણાં રહેવાના કારણે સારા વરસાદની આશા ઉપર હાલ પુરતું પાણી ફરી વળ્યું છે. ૭મી જુલાઈ સુધીમાં જિલ્લામાં માત્ર ૪.૪૩ ટકા જ વરસાદ નોંધાયો છે. જે જૂન માસના સાત દિવસ સામે ૪.૭૧ ટકા ઓછો છે. આજે મંગળવાર રાત્રિના આઠ વાગ્યા સુધીમાં જિલ્લાનો સરેરાશ વરસાદ ૩૦.૨૨ ટકાને જ આંબ્યો છે. ઉપરવાસમાં ઓછા પ્રમાણમાં વરસાદ થવાથી જિલ્લાના જીવાદોરી સમાન ચેકડેમો-તળાવોમાં હજુ સુધી નોંધપાત્ર આવક થવા પામી નથી. આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો વરસવાના બદલેગ હાથતાળી આપીને જતા રહે છે. જેના કારણે વરસાદ ખેંચાતા કારણે ખેડૂતોના માથે પણ ચિંતાની લકીરો તણાઈ છે. ત્યારે અષાઢના અંતિમ પખવાડિયામાં મેઘો મનમુકીને વરસે તેવી જિલ્લાવાસીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here