નારી ચોકડી પાસે આવેલ પંચનાથ સોસાયટીના મકાનમાં છાપખાનું ચાલતુ હતું

જાલીનોટ, પ્રિન્ટર કમ સ્કેનર, લેપટોપ, નોટ છાપવાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે લેતી ક્રાઈમ બ્રાંચ

દેવરાજ બુધેલીયા
નારી ચોકડી પાસે આવેલ પંચનાથ સોસાયટીના મકાનમાં છાપો મારી ક્રાઈમ બ્રાંચે દેશના અર્થતંત્રને ખોખલું કરતી જાલીનોટ બનાવવાનું છાપખાનું ઝડપી પાડી એક શખસની ધરપકડ કરી લઈ જાલીનોટ, પ્રિન્ટર કમ સ્કેનર, લેપટોપ, નોટ છાપવાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે મુદ્દામાલ કબજે લીધો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે નારી ચોકડી પાસે પંચનાથ નગરમાં રહેતા રવજી ઉર્ફે રવી ભોજાભાઈ મકવાણા પોતાના રહેણાંકી મકાનમાં દેશના અર્થતંત્રને ખોખલું કરતી જાલીનોટ પ્રિન્ટર કમ સ્કેનર વડે છાપકામ કરી છાપખાનું ચલાવી રહ્યો છે.

જે હકીકત આધારે રાત્રિના ૧૨.૪૫ કલાકના અરસા દરમિયાન ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઈ. પ્રદ્યુમનસિંહ ગોહિલ સહિતના સ્ટાફે રેડ કરી તપાસ હાથ ધરતા ઉક્ત શખસના કબજા ભોગવટામાંથી ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડવાના ઈરાદે અને પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ જાલીનોટને ખરા તરીકે ઉપયોગ કરવાના હેતુથી છાપકામ કરેલ રૂપિયા ૨૦૦ના દરની ૮, ૧૦૦ના દરની ૪ તેમજ રૂા. ૫૦૦ના દરની એક સાઈડ છાપકામ કરેલી નોટ મળી આવતા રવજી ઉર્ફે રવિની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લઈ તેના કબજામાંથી જાલીનોટ, પ્રિન્ટર કમ સ્કેનર, લેપટોપ, નોટ છાપવાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે લઈ શખસ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં આઈપીસી ૪૮૯(એ), ૪૮૯(બી), ૪૮૯(સી), ૪૮૯(ડી) તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here