સરદારબાગમાં શિયાળે ૬ થી વધુ લોકો પર હુમલો કરી કરડી ગયું, લોકોમાં ભય ફેલાતા વનવિભાગને કરી જાણ, વનવિભાગની ટીમે રેસ્ક્યુ કરી શિયાળને ઝડપી પાડ્યુ, રેસ્ક્યુ ટીમના સભ્ય પર શિયાળે હુમલાનો કર્યો હતો પ્રયાસ, શિયાળના હુમલાનો ભોગ બનનાર ને હડકવાની રસી મુકાવી લેવા તાકીદ, જો શિયાળ ને હડકવાના લક્ષણો હશે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે.
શંખનાદ કાર્યાલય
ભાવનગર શહેર મધ્યે વિક્ટોરિયા પાર્ક નામનું જંગલ આવેલું છે. આ જંગલમાં તૃણાહારી પ્રકારના સસલા, નીલગાય તેમજ માંસાહારી જીવોમાં શિયાળ, ઝરખ વગેરે વસવાટ કરે છે. આ જંગલ કે જ્યાંથી ઘણીવાર વન્યજીવો બહાર નીકળી આવતા હોય છે. જેમાંથી આજે એક શિયાળ બહાર નીકળી આવ્યું હતું અને તે શહેરની મધ્યમાં આવેલ સરદારબાગમાં જઈ ચડ્યું હતું. કોઈએ આ વન્યપ્રાણી ને હેરાન કર્યું હોય કે કોઈ અન્ય કારણોસર આ શિયાળે વહેલી સવાર ના સરદાર બાગમાં મોર્નિંગ વોક માં આવતા લોકો પર હુમલો કરી તેને કરડી ગયું હતું. જવલ્લેજ બનતી ઘટનાઓ પૈકીની આ ઘટના કે જેમાં મોર્નિંગ વોક કરી રહેલા લોકોને આ બાગમાં શિયાળ હોવાનું અને તે પ્રકારે હુમલો કરી લોકોને કરડી શકે તેવી જાણ જ ન હોય જેથી ત્યાં રહેલા લોકોમાં ભય ફેલાયો હતો.
આ અંગેની જાણ બાગના ચોકીદારને થતાં તેને શિયાળને લાકડી વડે બાગથી બહાર તગડી મુકયું હતું, ત્યાંથી નાસી છુટેલું શિયાળ બાજુમાં જ આવેલ પી.ડબલ્યુ.ડી વસાહતમાં જઈ ચડ્યું હતું ત્યાં પણ એક વ્યક્તિને બચકું ભરી લેતા વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી. વનવિભાગના બીટ ગાર્ડ ચાવડા રેસ્ક્યુ ટિમ સાથે ત્યાં દોડી ગયા હતા અને શિયાળને સહી સલામત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શિયાળ ને રેસ્ક્યુ કરતા સમયે શિયાળે રેસ્ક્યુ કર્મી પર પણ હુમલો કર્યો હતો પરંતુ રેસ્ક્યુ કર્મીએ શિયાળના હુમલાને નિષ્ફળ બનાવી તેને ઝડપી લઇ તપાસ અર્થે લઇ જવાયું હતું. સામાન્ય રીતે શિયાળ કોઈને કરડતું નથી.
પરંતુ આ બનાવને લઈને વનવિભાગે શિયાળ ની શારીરિક તપાસ માટે ડોક્ટર પાસે લઈ જવાશે જ્યાં ડોક્ટર તેની તપાસ કરી તેને હડકવા છેકે કેમ તેની ખાતરી થયા બાદ શિયાળ સ્વસ્થ જણાશે તો તેને ફરી જંગલ માં મુક્ત કરી દેવાશે અન્યથા હડકવા જણાઈ આવશે તો તેને મોત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમજ જે લોકોને આ શિયાળ કરડી ગયું છે તેમણે તાકીદે હડકવાની રસી મુકાવી દેવા તેમજ વધુ જરૂરી સારવાર કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.