બે દિવસ પહેલા તળાજા રોડ પર એટીએમ તોડવાનો કરાયો હતો પ્રયાસ, બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ ને બનાવ્યું હતું ટાર્ગેટ.

ગેસ કટર ની મદદથી એટીએમ ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે ત્રણ યુવાનોને ઝડપી પાડ્યા, કોલેજના યુવાનોએ આપ્યો હતો એટીએમ ચોરીના પ્રયાસ ને અંજામ.

હરેશ પવાર
ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા બેંક ઓફ ઇન્ડીયાના એ.ટી.એમ ને ગત તા. ૨૨ની રાત્રીથી ૨૩ તા. બપોર સુધીના ગાળામાં ગેસ કટરથી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસે એ.ટી.એમ ના કેમેરામાં કેદ થયેલા ફોટાના આધારે તેનો ભેદ ઉકેલી ૩ યુવાનોને ઝડપી પાડી આ બનાવમાં વધું તપાસ હાથ ધરી છે. તળાજા રોડ પર રાધિકા કોમ્પલેક્ષમાં આવેલું બેંક ઓફ ઇન્ડિયાનું એ.ટી.એમ કે જ્યાં ચોકીદાર ના હોય જેનો લાભ ઉઠાવી ત્રણ યુવાનોએ તેને તોડી તેમાંથી મસમોટી રકમ ની ઉઠાંતરી નો પ્લાન બનાવ્યો હતો.

જેને ગત તા.૨૨ ના રાત્રીથી ૨૩ તા. બપોર સુધીના સમયગાળામાં અંજામ આપવામાં આવ્યો હતો . જેની જાણ પોલીસ ને થતા પોલીસનો મસમોટો કાફલો મોડી રાત્રીના ત્યાં દોડી ગયો હતો. જેમાં તપાસ દરમ્યાન એટીએમ માં રહેલા કેમેરા ને તોડી નાખવામાં આવ્યા હોય તેમજ એટીએમ ને ગેસ કટર થી તોડવા નો પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું નજરે પડતા પોલીસે પ્રથમ આસપાસ ના વેપારીઓ ની પૂછપરછ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.

જયારે તેમાં ખાસ સફળતા પોલીસ ને મળી ના હતી પરંતુ એટીએમ ના કેમેરા જે તસવીર કેદ થઇ હતી તેના આધારે પોલીસે ઓળખ મેળવી ત્રણ ઇસમો ને ઝડપી તેની પૂછપરછ કરતા તેઓએ આ એટીએમ ને તોડવા ના પ્રયાસ ની કબુલાત કરી હતી. આ બનાવમાં મહત્વની બાબત કે જેમાં આરોપીઓ કોલેજના વિદ્યાર્થીઓ છે કે જે એસ.વાય અને ટી વાય માં અભ્યાસ કરી રહ્યા છે. નમન શાહ, જીત વોરા અને તીર્થરાજસિંહ નામના વિદ્યાર્થી યુવકો યુટ્યુબ ના માધ્યમ થી એટીએમ કેમ તોડવું તેની કળા શીખ્યા હતા.

મોજ મજા કરવા એટીએમ તોડવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ કોઈ કારણોસર તેમાં સફળ થયા ના હતા અને જે અંગે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેમને ચાર માસ અગાઉ નિલમબાગ પોલીસ મથક વિસ્તારમાં એક એટીએમ માં ચોરી કર્યા ની કબુલાત કરી હતી. જયારે પોલીસે આ બનાવમાં વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે કોલેજના વિદ્યાર્થીઓ ચોરીના રવાડે ચડી જતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

સારા ઘરના કહી શકાય તેવા યુવાનો પોતાના મોજશોખ માટે ચોરી ના રવાડે ચડી એટીએમ તોડવા સુધી ની ગુનાહિત કામગીરી ને અંજામ આપે તે બાબતે ગંભીર છે ત્યારે સમાજ પણ પોતાના બાળકો પ્રત્યે જાગૃત બને તે જરૂરી છે જયારે આ બનાવ માં હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here