કોરોના અને સ્ટાફની અછત વચ્ચે ઘેરાયું એસ.ટી. વિભાગ, મહારાષ્ટ્ર રૂટની બસને શરૂ કરવા મધ્યસ્થ કચેરીએ આપ્યા આદેશ, વિદ્યાર્થી ટ્રીપ અને નાઈટ કરફ્યૂવાળા રૂટ હજુ બંધ

બ્રિજેશ ગોસ્વામી
કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢેક વર્ષથી એસ.ટી. બસનું ૧૦૦ ટકા સંચાલન બંધ છે. હાલ કોરોનાના કેસ ઘટયાં હોવાથી નિયમોમાં પણ છુટછાટ મળતા ભાવનગર એસ.ટી. વિભાગે શિડયૂલ વધારી દીધા છે. કોરોનાના કારણે કેટલાક રૂટોને નાછુટકે બંધ કરવા પડયા છે, તો કેટલાક રૂટને સ્ટાફની અછતને કારણે શરૂ કરી શકાયા નથી.ભાવનગર એસ.ટી. વિભાગમાં ૩૩૩ શિડયૂલના સંચાલનને મંજૂરી મળેલી છે.

જે પૈકી હાલ ૨૭૩ શિડયૂલનું સંચાલન શરૂ કરી દેવાયું છે. જે સંચાલન બંધ છે, તેમાં મોટાભાગે વિદ્યાર્થી ટ્રીપ, લોકલ અને નાઈટ કરફ્યૂવાળા રૂટનો સમાવેશ થાય છે. નાઈટ કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો થયા બાદ ટ્રીપોમાં વધારો કરાયો છે. તો ૧૦ વાગ્યા બાદ કરફ્યૂના કારણે અન્ય વિભાગોમાંથી આવતી સુરત સહિતની બસમાં મુસાફરોને નારી ચોકડી ખાતે જ ઉતરવું પડી રહ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રની શિરડી રૂટની બસને કોરોનાને કારણે બંધ કરાઈ છે. જેને ફરી શરૂ કરવા માટે મધ્યસ્થ કચેરી તરફથી આદેશ મળતા એસ.ટી. તંત્ર દવારા પરમીટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિરડી બસને સંભવત્ બે-ચાર દિવસમાં શરૂ કરી દેવાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.ઉલ્લેખનિય છે કે, ભાવનગર એસ.ટી. વિભાગને એક તરફ કોરોનાની મહામારીને કારણે આવકનું ગાબડું પડી રહ્યું છે.

તો બીજી તરફ અગાઉથી જ સ્ટાફની ઘટથી ઝઝૂમતા એસ.ટી.માં કર્મચારીઓની વયમર્યાદાને કારણે નિવૃત્તિથી વધુ ઘટ પડી રહી છે. જે કારણથી પણ કેટલાક શિડયૂલને શરૂ કરવામાં મુશ્કેલી સામે આવી રહી છે. એસ.ટી. નિગમ દ્વારા ભાવનગર એસ.ટી.માં મંજૂર મહેકમ મુજબની જગ્યા પૂરવામાં આવે તેવી કર્મચારીઓની માગણી-લાગણી ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here