પાણીની પારાયણ મામલે ભાવનગર કોંગ્રેસનો માટલા ફોડી વિરોધ પ્રદર્શન, મહીલાઓ રણચંડી બની


મિલન કુવાડિયા
ભાવનગરના તરસમિયા ખાતે આજે કોંગ્રેસ દ્વારા ગ્રામજનોને સાથે રાખી માટલાફોડ કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું હતું.આ ગામમાં પાણીની નવી પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ હોય જેથી ૧૨ દિવસથી પાણીનું વિતરણ બંધ છે પરંતુ તંત્ર દ્વારા આ ૧૨ દિવસમાં ટેન્કર દ્વારા પણ પાણી ન આપી તરસમિયા ગામના લોકોને તરસ્યા રાખતા આજે કોંગ્રેસે માટલા ફોડી ભારે વિરોધ કર્યો હતો.જેમાં સાથે સાથે કૃષિબીલ ની હોળી કરવાનો પ્રયાસ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા તરસમીયા ગામે ૧૨ દિવસથી પાણી ન આપવા ના મામલે આજે માટલા ફોડી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ,પૂર્વ નગરસેવકો,પુરુષ તથા મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.જ્યારે વિરોધ ના પગલે પોલીસતંત્ર પણ ત્યાં દોડી ગયું હતું.તરસમિયા ગામને આજથી ૬ વર્ષ પૂર્વે ભાવનગર મહાનગરપાલિકામાં ભેળવી તો દેવાયું છે પરંતુ આજે ૬ વર્ષમાં મહાનગરપાલિકા વિસ્તારને મળતી પાયાની સુવિધા કોર્પોરેશન આપી શક્યું નથી.

પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવતી હોય જેથી છેલ્લા ૧૨ દિવસથી આખા ગામમાં પાણીનું ટીપું પણ તંત્રએ આપ્યું નથી.આ ઉપરાંત ટેન્કર થી પણ પાણી ન આપતા તરસમિયાના લોકોની હાલત કફોડી બની છે. સાથે સાથે તરસમીયામાં એક વર્ષ પહેલાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી જેમાં રોડ તોડી નાખ્યો છે તે આજ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી ગંદકી અને તૂટી ગયેલા રોડને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે . ગામ લોકોએ વારંવાર રજુઆત કરવા છતાં કોર્પોરેશન તેમજ ભાજપના શાસકો એ ક્યારેય આ વિસ્તાર તરફ ધ્યાન દીધું નથી .

તેમજ ગંદકીના કારણે રોગચાળાનો ભય હોવા છતાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં નથી આવ્યો. પાયાની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન બને ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા જુની પંચાયત વેરા મુજબ વેરો લેવો જોઈએ .જ્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ તરસમીયા ગામે માટલા ફોડી વિરોધ કરવામાં તેમજ ખેડૂત વિરોધી જે બિલ પાસ કરવા માં આવ્યું છે તેની હોળીનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી જ્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here