૨૩મીથી બાળકોએ ઘરે ચિત્ર બનાવી રમત-ગમત કચેરીઓ મોકલવાનુ રહેશે, ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે પ્લે એટ હોમ વિષય પર ચિત્ર સ્પર્ધા 

જિલ્લાકક્ષા બાદ રાજ્યકક્ષાએ ચિત્ર સ્પર્ધાનુ આયોજન, વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનીત કરાશે  

બ્રિજેશ ગૌસ્વામી
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર સંચાલિત પ્લે એટ હોમ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ એ ફોર સાઈઝના ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે આગામી તા.૨૩ નવેમ્બર ૨૦૨૦ થી તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી બપોરે ૧૨ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે.

કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડ કે જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાંથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે.

રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા આગામી તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલાભવન, એલિસ બ્રિજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો સમય ૧૧ થી ૫ કલાક સુધીનો રહેશે, જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલ ચિત્રો પૈકી બેસ્ટ -૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે.

તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજન આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી ભાવનગરની જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોંચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો ડીએસઓ કચેરીના બ્લોગ એડ્રેસ પરથી અને કચેરી પરથી મેળવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here