ભાવ વધારાના કારણે શહેરના મોટા ભાગના કારખાનાઓ બંધ હાલતમાં, કારખાનાઓમાં બરફના ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો નોંધાયો

દેવરાજ બુધેલિયા
છેલ્લા સપ્તાહથી ગોહિલવાડમાં  શિયાળાની ઋુતુ જામતાની સાથે જ ભાવનગર શહેરના કારખાનાઓમાં પુરતા ઓર્ડર ન મળતા બરફના ઉત્પાદનમાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો થયેલ છેે. તેમજ રો મટીરીયલ્સમાં થયેલા ભાવ વધારા સહિતના કારણે મોટા ભાગના બરફના કારખાનાઓ બંધ હાલતમાં જણાય છે. સામાન્ય રીતે ગરમીની સીઝનમાં શીતળતા મેળવવા માટે સૌ કોઈ ગોળા, ગુલ્ફી, આઈસક્રિમ, શેરડીનો રસ અને ઠંડા પીણા સહિતની ઠંડી ખાદ્યસામગ્રીઓનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે.

તેથી આ સીઝનમાં સૌ કોઈ માટે આર્શિવાદરૂપ બરફની માંગમાં એકાએક વધારો થતો હોય છે. જયારે હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં શિયાળાની ઋુતુ જામતા બરફના કારખાનાઓમાં સોંપો પડવા માંડયો છે. ઉનાળામાં બરફના કારખાનાઓના પ્રાંગણમાં બરફ ખરીદનારાઓની કતારો જોવા મળતી હતી ત્યાં હવે એકલ-દોકલ ગ્રાહકો જ નજરે પડી રહ્યા છે. વીજળીના વધતા જતા ભાવ, જી.એસ.ટી.,લેબર વર્ક, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તેમજ રો મટીરીયલ્સના ભાવ તેમજ પ્રોેસેસ ચાર્જમાં થઈ રહેલા વધારાના કારણે ભાવનગર શહેરમાં એક પછી એક બરફના કારખાનાઓ બંધ થવા લાગ્યા છે.

ઉત્પાદન ખર્ચની સામે પ્રમાણસરની આવક ન મળતા બરફના કારખાનાના વ્યવસાયમાં પણ હવે કોઈને રસ કે કસ રહ્યો નથી. એટલુ જ નહિ બરફના કારખાનેદારો અને શ્રમિકો ક્રમશ અન્ય ધંધા વ્યવસાય તરફ વળી રહ્યા છે. આજથી ૧૮ વર્ષ પહેલા ભાવનગર શહેરમાંં અલગ અલગ સ્થળોએ બરફના ૨૦ કારખાનાઓ ધમધમતા હતા. જેમાં કાળક્રમે હવે શહેરી વિસ્તારમાં એકમાત્ર કારખાનુ રહ્યુ છે જયારે રૂવાપરી ટેકરી ચોક ખાતે અને ચિત્રા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મળી બરફના ૪ કારખાનાઓ ધમધમે છે.

ઉપરોકત કારખાનાઓમાં શિયાળાને લઈને બરફના ઉત્પાદનમાં ૫૦ ટકા ઘટાડો નોંધાયો છે. ઉનાળામાં ૧૫૦ કિલો બરફની પાટ રૂા ૩૦૦ થી ૪૦૦ ના ભાવે આસાનીથી વેચાઈ જતી હતી જયારે હાલ ઠંડીના કારણે લેવાલી ન મળતા આ પાટ રૂા ૨૫૦ થી ૨૦૦ ના ભાવે વેચવાનો વખત આવે છે. હાલ લગ્નગાળાની સીઝનને અનુલક્ષીને બરફનો વ્યવસાય ટકી રહ્યો છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here