ભાવનગર જિલ્લાના ખેડુતોને જ્યાં જ્યાં નહેર દ્વારા સિંચાઈ સુવિધા નથી ત્યાં ત્યાં સૌની યોજના હેઠળ પાણી મળી આપો : કિસાન ટ્રષ્ટ


હરેશ પવાર
કોરોના મહામારીને પગલે ખેડુતોને એકઠા નહીં કરવા તેમજ સૌની સલામતીને ધ્યાનમાં રાખીને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને પાણી માટે ડિજીટલ માધ્યમથી ખેડૂતોના હિતમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે ગુજરાતના પ્રદેશ મહામંત્રી રમણીક જાની અને પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામભાઈ મોરીના જણાવ્યા મુજબ આઝાદીના સાત દાયકા વિત્યા છતાં ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે પાયાની જરૂરિયાત એવા સિંચાઈના પાણીની સુવિધા પણ ઉભી કરવામાં આવી નથી ખેડુતોને આજે પણ વરસાદ આધારિત ખેતી કરવી પડે છે.

પરિણામે વર્ષો વર્ષ ખુબ મોટું નુકશાન વેઠવું પડે છે, ઉનાળામાં પાણીના તળ ઉંડા જવાથી કુવા કે બોરવેલથી સિંચાઇ તો ઠીક પીવાના પાણીના ફાંફા પડી જાય છે, ત્યારે ભાવનગર જિલ્લાના જે ગામોમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ નથી તે તમામ ગામોમાં સૌની યોજના અથવા અન્ય કોઈ યોજના હેઠળ નાના મોટા તળાવો, ચેકડેમો વગેરે ભરવામાં આવે એવી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા રજુઆત કરવામાં આવી છે. વધુમાં સિહોર તાલુકામાં ડુંગરાળ વિસ્તાર હોવાથી નજીકના ભવિષ્યમાં નહેર દ્વારા સિંચાઈ માટે પાણી મળવાની કોઈ શક્યતા દેખાતી નથી.

ત્યારે ટાણાથી લઈને સિહોર, રાજપરા ખોડિયાર માતાજીના તળાવ વગેરેમાં પાણી છોડવામાં આવે તો હેઠવાસના તમામ ગામોના ભૂગર્ભ જળ ઉંચા આવવાથી ખેડુતો અને પશુપાલકો માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. આથી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગર જિલ્લાના સિંચાઇ સુવિધાથી વંચિત ખેડુતો અને પશુપાલકોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા કલેકટર સાહેબથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. રમણીક જાની દ્વારા વધુમાં જણાવાયું છે કે ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કલ્પસર યોજના નું ગાજર લટકાવી રાખ્યું છે.

પરંતુ આજ સુધી કલ્પસર યોજના હજુ કાગળ પર જ રાખી છે, મોટા ગજાના નેતાઓ ચૂંટણી સમયે ભાવનગર આવી ફકત કલ્પસર યોજના ની મોટી મોટી વાતો કરી સમુદ્રમાં શ્રીફળ પધરાવી ભૂલી જાય છે, પરિણામે ખેડૂતોને સિંચાઈ બાબત ખુબ જ અન્યાય થવાથી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના તથા ગામડાઓના નાના મોટા તળાવો, ચેકડેમો, નદીઓમાં પાણી છોડવામાં આવે એવી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા રજુઆત કરી ખેડૂતોના હિતની માંગો સ્વીકારવાની માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here