રાજકીય નેતાઓની રજૂઆતો પરિણામલક્ષી બને તો ભાવનગરની મુંબઈ સાથે એર કનેક્ટીવીટી જળવાઈ રહે, એલાયન્સ એરએ ફ્લાઈટ બંધ કરી હવે સ્પાઈસ જેટે 27મી બાદ ફ્લાઈટના બુકીંગ બંધ કર્યા

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર મુંબઈ વચ્ચે સંચાલિત થતી ફ્લાઈટનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. માર્ચ મહિનાના અંતમાં મુંબઈની એકમાત્ર વિમાની સેવા પણ બંધ થવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. એક જ માસમાં બે કંપની દ્વારા મુંબઈની ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય કરી હવાઈ સેવાના મામલે ભાવનગર સાથે ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે

ભાવનગર મુંબઈ વચ્ચે એલાયન્સ એર અને સ્પાઈસ જેટ એમ બે કંપનીની અઠવાડિયામાં ત્રણ-ત્રણ દિવસ વિમાની સેવા ચાલી રહી હતી. એર ઈન્ડિયાને ટાટા જૂથે ટેકઓવર કર્યા બાદ વિમાની સેવા વધવાની આશા હતી. મહાજન મંડળો, ઉદ્યોગકારોએ ડેઈલી ફ્લાઈટની માંગણી પણ કરી દીધી હતી. પરંતુ તેનાથી વિપરીત એલાયન્સ એરની અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલતી ભાવનગર-મુંબઈની ફ્લાઈટને બે દિવસ પહેલા બંધ કરી દેવામાં આવી હતી.

જેના કારણે હવે એકમાત્ર સ્પાઈસ જેટની બુધવાર, ગુરૂવાર અને શનિવારની ભાવનગર-મુંબઈની હવાઈ સેવા બાકી રહી હતી. તેને પણ સ્પાઈસ જેટે બંધ કરવાની તૈયારી કરી દીધી હોય તેમ પૂરતો ટ્રાફિક અને બીજી કંપની સાથે હરિફાઈ પણ ન હોવા છતાં માર્ચના અંત સુધીમાં વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હોય તેમ ૨૭મી માર્ચ બાદના બુકીંગ બંધ કરી દીધા છે. ફ્લાઈટનું સંચાલન શરૂ રહે તે માટે નેતાઓ રજૂઆત તો કરી રહ્યા છે,

પરંતુ કેન્દ્રમાં પોતાની જ સરકાર હોવા છતાં તેમનું ગજુ ટૂંકુ પડી રહ્યું હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. ત્યારે  ભાવનગરની નબળી નેતાગીરીના પાપે પ્રજાની વિમાની સેવા છીનવાઈ જવાના આરે પહોંચી છે. જેથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. મુંબઈની ફ્લાઈટ બંધ થશે તો ભાવનગર પાસે સમ ખાવા પૂરતી સુરતની એક જ હવાઈ સેવા બચશે. જેનું ભવિષ્ય પણ અંધકારમય જ હોવાની લોકોમાં લાગણી પ્રસરી થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here