સંજીવની રથ દ્વારા ભાવનગર વાસીઓને ઘરઆંગણે આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ બનશે


સલીમ બરફવાળા
રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને ફાળવવામાં આવેલ 10 સંજીવની રથને આજે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ભાવનગર શહેરને 20 સંજીવની રથની ફાળવણી કરવામાં આવી છે. આ 20 પૈકી 10 રથની ડીલીવરી મળી છે જે ને કાર્યરત પણ કરી દેવામાં આવ્યા છે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 પોઝિટિવ દર્દીઓને શોધવા અને અન્ય બીમારી જેવી કે, તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચામડીના દર્દો વગેરેના નિદાન અને સ્થળ પર પ્રાથમિક સારવારની સેવાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુસર તમામ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો, શહેરી વિસ્તારોમાં આરોગ્યની સેવા આપવાની કામગીરી સંજીવની રથ દ્વારા કરવામાં આવી રહેલી છે.

કોરોના મહામારીના વધતાં જતાં સંક્રમણ અને આરોગ્ય સેવાઓ ટૂંકી પડતા એક મોટી સમસ્યા સર્જાઇ રહી છે. હાલમાં ભાવનગર શહેર તથા જિલ્લામાં ધનવંતરી રથ મોજુદ છે. પરંતુ એ પર્યાપ્ત નથી આથી હાલમાં જે કોરોનાના દર્દીઓ હોમ કવોરોન્ટાઈન છે. એવાં દર્દીઓ માટે સંજીવની રથની સેવાઓ મહાનગરોમાં શરૂ કરવામાં આવી છે. આ રથમાં જરૂરી તમામ આરોગ્ય લક્ષી ઉપકરણો દવાઓ, વેન્ટિલેટર ઓક્સિજન સિસ્ટમથી સજ્જ આ રથ સંક્રમિત વ્યક્તિને જરૂર પડ્યે ઘર સુધી પહોંચી સારવાર આપશે.

આ રથમાં મેડિકલ ઓફિસર મદદનીશ તથા પાઈલટ સહિતનો સ્ટાફ મોજુદ રહેશે. રાજ્ય સરકારે ભાવનગરને કુલ 20 રથની ફાળવણી કરી છે. જે પૈકી દસ રથ આવી પહોંચ્યા છે. અને આ રથને કાર્યરત પણ કરી દેવામાં આવ્યા છે. અને બાકી રહેલા રથની ડીલીવરી પણ ઝડપથી મળી જશે. આરોગ્યલક્ષી સેવાઓમાં સંજીવની રથની સેવાનો ઉમેરો કરતાં આ સેવા વધુ સુદ્રઢ અને ઝડપી તથા સરળ બનશે તેમ કેબિનેટ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું.

સંજીવની રથને પ્રસ્થાન કરાવવાના અવસર પર રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, કોર્પોરેટરઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here