જીવે ત્યાં સુધી સજા

ભાવનગર ASP શફીન હસને 24 કલાકમાં કરી હતી ચાર્જશીટ, અદાલતે 52 દિવસમાં આપ્યો ચૂકાદો, ત્રણેય આરોપીઓને જીવે ત્યાં સુધીની આજીવન કેદ

સલિમ બરફવાળા
ભાવનગર શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેને ત્રાપજ ગામ નજીક ઉઠાવી જઈ તેની ઉપર કારમાં જ  સામુહિક ગેંગરેપ ગુજાર્યો ના બનાવ અંગે ભાવનગર કોર્ટે 52 દિવસમાં જ આજે ચુકાદો આપી ત્રણેય આરોપી ને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ રૂપિયા છ લાખનો દંડ ફટકાર્યો છે. તા. 11 ડિસેમ્બરના રોજ ભાવનગરની અલંગ પોલીસની સજાગતાને કારણે પોલીસે સામુહીક દુષ્કૃત્યનો ભોગ બનનારી યુવતીને છોડાવી હતી. આ મામલે ઝડપાયેલા ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયાના માત્ર 24 જ કલાકમાં ભાવનગરના એએસપી શફીન હસને પુરાવા અને સાક્ષીઓના નિવેદનોને આધારે ચાર્જશીટ કરી દીધી હતી. ભાવનગરની ખાસ અદાલતના જજ ઝંખના ત્રિવેદીએ 52 દિવસમાં ટ્રાયલ ચલાવી મંગળવારના રોજ ત્રણેય આરોપીઓને મૃત્યુ પર્યંત કારાવાસની સજા ફટકારી પીડીતાને છ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.

તારીખ 11 ડિસેમ્બરના રોજ પેટ્રોલિંગમાં રહેલી અલંગ પોલીસને એક શંકાસ્પદ કાર નજરે પડતા કારમાંથી એક યુવતી તેમજ ભાવનગરના રહેવાસી, મનસુખ સોલંકી, સંજય વઢવાણાં અને મુસ્તુફા શેખ મળી આવ્યા હતા. માનસીક રીતે અસ્વસ્થ લાગતી યુવતીની પોલીસે પુછપરછ કરતાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનો અંદાજો આવ્યો હતો.બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગરના ડીએસપી જયપાલસિંહ રાઠોડે મામલો એએસપી શફીન હસનને સોંપ્યો હતો. શફીન હસને પીડિતાની દાક્તરી તપાસ, ફોરેન્સીક પુરાવાઓ, સાક્ષીઓના નિવેદન, સીસીટીવીના ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્રીત કરી24 કલાકમાં જ આરોપીઓ સામે તહોમતનામુ ફરમાવ્યું હતું. ખાસ અદાલતના જજ ઝંખના ત્રિવેદીએ પણ 52 દિવસમાં સરકારી પક્ષ, આરોપીઓનો પક્ષ, સાક્ષીઓ અને દસ્તાવેજો તપાસી ટ્રાયલ પુર્ણ કરતાં તમામ આરોપીઓને દોષિત ઠેરવી મૃત્યુ પર્યંતનો કારાવાસ ફરમાવ્યો હતો. આજે ભાવનગર સેશન્સ કોર્ટમાં અન્ય ત્રણ કેસમાં પણ અદાલતે કુલ દસ આરોપીઓને આજીવન કારાવાસની સજા કરી છે. આ તમામ કેસમાં સરકાર પક્ષે વિદ્વાન વકીલ મનોજ જોશી હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here