ભાવનગર જિલ્લા પોલીસની લોકડાઉનમાં કડક કાર્યવાહી-લોકોને માસ્ક પહેરી કામ વગર બહાર ન નીકળવા અપીલ

શંખનાદ કાર્યાલય
કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમ છતાં અમુક લોકો જાહેર સ્થળોએ વાહન ચલાવતી વખતે, મુસાફરી દરમિયાન, લગ્ન પ્રસંગોમાં, ધંધા-રોજગાર વગેરે સ્થળે માસ્ક ન પહેરતા મળી આવે છે ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા માસ્ક ન પહેરતા લોકો પાસેથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દંડ વસુલ કરવામાં આવેલ છે. ભાવનગર પોલીસનો ઉદ્દેશ માત્ર દંડ વસૂલ કરવાનો નથી, પરંતુ લોકો માસ્ક પહેરી કોરોના વાયરસ બાબતે જાગૃત બને પોતાનું તથા અન્ય લોકોની સુરક્ષા માટે જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરે તે છે.

તા.૧/૪/૨૦૨૧ થી તા.૯/૫/૨૦૨૧ દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેર સ્થળોએ વાહન ચલાવતી વખતે, મુસાફરી દરમિયાન, લગ્ન પ્રસંગોમાં, ધંધા-રોજગાર વગેરે સ્થળે માસ્ક ન પહેરતા ૧૬,૨૫૦ લોકોને પાવતી આપી રૂ.૧,૬૨,૫૦,૦૦૦ દંડ પેટે વસૂલ કરવામાં આવેલ છે. જાહેરનામા ભંગના ૧૨૯૩ કેસો નોંધાયેલ છે, ૨૯૫ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે અને ગાઈડલાઈનનો ભંગ કરીને ટોળા રૂપે એકઠા થયેલા લોકો સામે ૩ કેસ નોંધવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સમયે અનેક લોકોપયોગી કાર્યવાહી કરવામાં આવી છે. જેમ કે, કોરોના વેક્સિન લેવા, કોરોના વાયરસ પોઝિટિવ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવનારાઓને કોરોના ટેસ્ટ કરાવવા, લોકોને સુરક્ષિત રહેવા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી હોસ્પિટલો તથા કન્ટેન્મેન્ટ ઝોનમાં ચુસ્ત બંદોબસ્ત/પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે.

આ ઉપરાંત માનવતાલક્ષી અભિગમ અપનાવી કોરોના પોઝિટિવ સિનિયર સિટિઝન સાથે ટેલીફોનીક સંપર્ક કરી તેઓને ઘરે બેઠા દવાની વ્યવસ્થા, પરપ્રાંતીઓને વતન મોકલવાની વ્યવસ્થા તેમજ ટેકનોલોજીના ઉપયોગથી કોરોના સામે જાગૃતિ ફેલાય તે માટે કાર્યવાહી લોક જાગૃતિનું કામ કરવા ફુટ પેટ્રોલીંગ અને ફ્લેગમાર્ચ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here