પરિવાર મુંબઇ ગયોને પાછળથી તસ્કરો હાથ સાફ કરી ગયા

હરીશ પવાર
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને અલંગમાં સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલ દલાલના બંધ મકાનને અજાણ્યા શખ્સો નિશાન બનાવી લાખ્ખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે ઘટના સ્થળેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરટાઓ-ધાડપાડુઓને મોકળું મેદાન મળ્યું હોય તેમ છાશવારે ઘરફોડ ચોરીના બનાવોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

ત્યારે આવો જ એક ઘરફોડ ચોરીનો બનાવ શહેરના સુભાષનગર વિસ્તારમાં બનવા પામ્યો છે. જે અંગે આ ચોરીનો ભોગ બનેલા વ્યક્તિએ જણાવેલી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના અજમેરના વતની અને વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા તથા અલંગ શિપબ્રેકિંગયાર્ડમા સ્ક્રેપની દલાલી તથા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા પારસ શંભુસિંગ મેરતવાલ પત્ની તથા બે પુત્રી એક પુત્ર સાથે સુભાષનગરમા આવેલી લક્ષ્મી સોસાયટીના પ્લોટનં-40/એ મા સહ પરિવાર વસવાટ કરે છે. જેમાં પારસભાઈની નાની પુત્રી હિમાનીના એડમિશન માટે પારસભાઈ તેમના પત્ની મેનાબેન પુત્ર દિવ્યાંશુ સાથે ગત 10 જૂનના રોજ મુંબઈ ગયાં હતાં. જ્યારે મોટી પુત્રી વિનીતાને સોમવારે વતન જવાનું હોવાથી તે અહીં ઘરે જ રોકાઈ હતી.

આ દરમિયાન સવારે પડોશીએ પારસભાઈને કોલ કરી જણાવ્યું હતું કે, તમારા રસોડાનો દરવાજો ખુલ્લો છે. આથી તેઓએ પડોશીને તપાસ કરવા મોકલતા મેઈન દરવાજાના તાળા તૂટેલા હોવા સાથે રૂમમાં સર-સામાન વેરવિખેર હાલતમાં જણાતા પડોશીએ ફરી પારસભાઈને કોલ કરી ઘરમાં ચોરી થયાની જાણ કરતાં તેઓ મુંબઈથી હવાઈ માર્ગે મુંબઈથી ભાવનગર આવી પહોંચ્યા હતાંય બી-ડીવીઝન પોલીસ એલસીબી એસઓજી તથા સીટી ડીવાયએસપી સફીન હસન સહિતનો કાફલો સ્થળપર દોડી આવ્યો હતો.

જેમાં સાંજે મકાન માલિક ઘરે આવતા તેમણે તપાસી સોના-ચાંદીના દાગીના રોકડા રૂપિયા એક મોબાઈલ સહિત લાખ્ખોમાં મુદ્દામાલ ચોરી થયાની માહિતી આપી હતી. આ બનાવ અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. મકાન માલિક આવ્યા પૂર્વે પોલીસે મકાનને સિલ કરી મકાન આસપાસ લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે આસપાસના લોકોમાં થતી ચર્ચા મુજબ આ ચોરીની ઘટનાને કોઈ જાણભેદુ શખ્સોએ અંજામ આપ્યો હોવો જોઈએ. હાલમાં તપાસ શરૂ છે. આથી વધુ માહિતી પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here