ભાવનગરમાં વન અને પર્યાવરણ મંત્રીએ તિરંગાને સલામી આપી, કહ્યું કે, “દેશભક્તોના બલિદાન થકી જ આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં”

સલિમ બરફવાળા
ભાવનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મંત્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો.

તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો.ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભક્તિને વંદન કરી મંત્રીએ જણાવ્યું હતું કે, “દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું.

એવાં દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છીએ. દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.”

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવાં માટે કરેલાં પ્રયત્નોની સરાહના કરી તેમણે કોરોના કાળમાં વિવિધ વિભાગોના કોરોના વોરિયર એવાં કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું. મંત્રીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન આરંભાયેલાં કરૂણા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને તેના કર્મીઓ અને ખેલકૂદ ક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાવંત ખેલાડીઓનું ખાસ સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here