હીરા ઉદ્યોગમાં દિવાળીની તેજી પણ રત્નકલાકારોનું થતું શોષણ

લોકડાઉન પછી પગારમાં ૩૦ ટકા જેટલો કાપ મુકી દેવાયો, દિવાળી બોનસ નહીં આપવાના નિર્ણય સામે કારોગરોમાં પ્રવર્તેલો ભારે રોષ


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સાથે ભાવનગર જિલ્લામાં હજારો પરિવાર માટે આજીવિકાનું સાધન હીરા ઉદ્યોગમાં કારીગરોનું શોષણ કરવામાં આવતા ભારે રોષ પ્રવત્યો છે. ખાસ કરીને લોકડાઉન બાદ પગારમાં કાતર ફેરવી દેવાઈ છે, તો હવે દિવાળી બોનસ આપવામાં પણ હાથ ઉંચા કરી દેવામાં આવતા રત્નકલાકારોની હાલત દિવાળીમાં હોળી જેવી થવા જઈ રહી છે. હીરા ઉદ્યોગમાં હાલ દિવાળાના સમયને કારણે તેજીનો તોખાર છે. કોરોના વાયરસની મહામારી અને મંદીના વમળમાંથી હીરા ઉદ્યોગ બેઠો થયો છે, શહેર-જિલ્લામાં નાના-મોટા તમામ હીરાના કારખાના, ઓફિસ સવારથી રાત સુધી ધમધમવા માંડી છે. તેવામાં મંદી અને લોકડાઉનનું બહાનું આગળ ધરી કારીગરો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

લોકડાઉન બાદ હીરા ઉદ્યોગ અનલોક થતા આર્થિક ગુંગળામણમાં સપડાયેલા રત્નકલાકારોની મજબૂરીનો ફાયદો ઉઠાવી હીરા વ્યવસાયકારોએ પ્રથમ તો ૩૦ ટકા જેટલો પગારકાપ મુકી દીધો હતો. અન્ય ક્ષેત્રોમાં બેરોજગારીનો વાયરો ફૂંકાયેલો હોવાથી કારીગરોએ પગારકાપનો ઝટકો મૂંગા મોઢે સહન કરી દીધો હતો. ત્યારબાદ હવે દિવાળીનો સમય આવ્યો છે, હીરા ઉદ્યોગે પણ તેજીની ગાડી પકડી છે, તેમ છતાં આ વર્ષે કારીગરોને દિવાળી બોનસ નહીં આપવા કેટલાક હીરાના કારખાનેદારો-વ્યવસાયકારોએ નિર્ણય લીધો છેે.

આ નિર્ણય સામે રત્નકલાકારોમાં ભારે રોષ ફેલાયો છે અને પગારકાપ પાછો ખેંચવા તેમજ બોનસ એક્ટના નિયમાનુસાર દિવાળીનું બોનસ ચુકવવામાં આવે તેવી માગણી કરી છે. ઉલ્લેખનિય છે કે, બોનસના મામલે સોમવારે સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન-ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. તે મુજબ ભાવનગરમાં પણ રત્નકલાકારોને થતા અન્યાય મુદ્દે યુનિયન દ્વારા આગામી દિવસોમાં આવેદન આપવાની વિચારણા ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here