૪ તાલુકાઓના સંભવિત અસરગ્રસ્ત ૩૪ ગામોની અધિકારીઓએ મુલાકાત લઈ સમીક્ષા કરી, તાલુકાવાર આશ્રયસ્થાનોની વ્યવસ્થા સુનિશ્નિત કરવા જિલ્લા કલેકટરશ્રીની તાકીદ

દેવરાજ બુધેલીયા
ભાવનગર જિલ્લામા આગામી તા.૨ થી તા.૬ દરમ્યાન નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાવાઝોડા થી કોઈ જાનમાલનું નુકશાન કે અન્ય કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પુર્વ આયોજનના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવામા આવી રહ્યા છે જિલ્લા/તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા બે દિવસની વિશેષ ડ્રાઇવ ચલાવી રાહત બચાવના સાઘનો જેવા કે જનરેટર સેટ, લાઇફ બોય, લાઇફ જેકેટ્સ તૈયાર કરાયા હતા. ભાવનગર, મહુવા, ઘોઘા તેમજ તળાજા તાલુકાના નીચાણવાળા વિસ્તારના સંભવિત અસરગ્રસ્ત ૩૪ ગામોમાં તાલુકા કક્ષાની ટીમો દ્વારા ગામોની મુલાકાત લઈ સ્થાનિક સરપંચ, તલાટી કમ મંત્રી, રેશનશોપ ડીલર, એમ.ડી.એમ. સંચાલક, આપદા મિત્ર અને ગ્રામસેવક સાથે રાખી પરિસ્થિતીને પહોંચી વળવા માટે અવગત કરવામાં આવેલ.

જી.એસ.ડી.એમ.એ. દ્વારા અમલી આપદામિત્ર પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ પામેલ કુલ ૧૪૦ આપદામિત્રો(તાલુકા દીઠ:૧૨ અને મહાનગરપાલિકા વિસ્તારના ૨૦) ઉપલબ્ધ કરવામાં આવેલ છે.તેમજ સંભવિત અસરગ્રસ્ત ચારેય તાલુકા માટે વર્ગ-૧ના અધિકારીશ્રીની લાયઝનીંગ અધિકારીશ્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હાલ જિલ્લાના દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં COVID-19 અંતર્ગત કોરોન્ટાઈન ફેસેલીટી રાખવામાં આવેલ નથી. બચાવ અને રાહત ટીમો માટે જરૂરીયાત મુજબની ૨૦૦ પી.પી.ઇ. કીટ, હેન્ડ ગ્લોઝ, માસ્ક, સેનિટાઇઝર્સ અનામત રાખવામાં આવ્યા છે. ડી.જી. સેટ્સ, ક્રેન, જીવન બચાવ નૌકાઓ, મોબાઇલ, મોબાઇલ ટાવરોની ઉપલબ્ધી માટેની યાદી તૈયાર કરવામાં આવી છે.

રેઈન ગેજ ચાલુ હાલતમાં હોવાની પુન: ચકાસણી તેમજ રેઈન ગેજના લોકેશન લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ માછીમારો દરિયામાં નથી તેમજ માછીમારો દરિયો ખેડે નહીં તેની તકેદારીના ભાગરૂપે મરીન પોલીસ અને ફીશરીસ ડીપાર્ટમેન્ટ દ્વારા સતત મોનીટરીંગ શરૂ છે. સંભવિત અસરગ્રસ્ત ગામોમાં રહેલ કુલ ૧૬૮ સગર્ભા મહિલાઓની યાદી તૈયાર કરી શીફ્ટીંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સામાજીક સંસ્થાઓ તેમજ પ્રતિષ્ઠિત દાતાઓ ભાવનગર ૧૩, ઘોઘા ૨૪, મહુવા ૧૬ અને તળાજા ૧૦ મળી કુલ ૬૩ એન.જી.ઓ/દાતાઓની યાદી તંત્ર દ્વારા મદદરૂપ થવા તૈયાર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here