દિવાળી સુધીમાં ડિવિઝનને 30 નવી નક્કોર બસ મળશે, ભાવનગર ડેપોને 8 અને 2 ગારિયાધાર ડેપોને બસ સોંપાઈ, 2 બસની ફાળવણી બાકી

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર એસ.ટી. વિભાગ હેઠળના કુલ આઠ ડેપોમાં ૫૦ જેટલી બસ ઓવરએજ થઈ ગઈ છે. જેના કારણે નવી બસની માગણી કરતા છેલ્લા એકાદ માસમાં ૧૨ નવી નક્કોર બસ ભાવનગર એસ.ટી.ને સોંપવામાં આવી છે. ૧૨ પૈકીની બે બસ આજે બુધવારે અમદાવાદથી ભાવનગર આવી હતી. એસ.ટી.ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીએસઆરટીસી દ્વારા દરેક વિભાગને તેમની પાસે રહેલી ઓવરએજ ગાડીની ટકાવારી પ્રમાણે ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ છે. ભાવનગર ડિવિઝનમાં પણ ૫૦ જેટલી બસ ઓવરએજ દોડી રહી હોય

તેના સ્થાને નવી બસ આપવા માટે માગણી કરાઈ હતી. જેને લઈ એસ.ટી. નિગમે પાછલા એક માસમાં બીએસ-૬ મોડેલની ૧૨ બસ ભાવનગરને ફાળવી દીધી છે. અગાઉ આવેલી ૧૦ બસ પૈકી ૮ બસ ભાવનગર ડેપો અને ૨ બસ ગારિયાધાર ડેપોને સોંપાઈ હતી. આજે બુધવારે આવેલી બીજી બે બસની ફાળવણી કરવાની હજુ બાકી છે. વધુમાં ત્રણેક માસ એટલે દિવાળી સુધીમાં ભાવનગર વિભાગને કુલ ૩૦ નવી બસ મળી જશે. જ્યારે બાકીની બસ ડિસેમ્બર બાદ મળશે તેવી શક્યતા દર્શાવાઈ છે.

લાંબા અંતરના રૂટને નવી બસ અપાઈ

ઓવરએજ બસના સ્થાને નવી બસોની ફાળવણી કરાઈ રહી હોય, એસ.ટી. વિભાગ દ્વારા નિગમ તરફથી મળતી નવી બસની ફાળવણીમાં લાંબા અંતરના રૂટને પ્રાથમિકતા અપાઈ છે. લાંબા અંતરના રૂટમાં ઓવરએજ બસ દોડવાથી ઘણી વખત રસ્તામાં બ્રેકડાઉનની સ્થિતિ સર્જાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વળી, સીટ અને બોડીની પણ ખસ્તાહાલત હોવાથી કેટલીક બસમાં મુસાફરી દરમિયાન મુસાફરો ત્રાસી જતા હોય છે. જેના કારણે આવી બસોને હટાવી નવી નક્કોર બસને લાંબા રૂટ પર મુકવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here