તેમના કાર્યકાળમાં લેવાયા નિર્ણયો અને કામોની રૂપરેખા અંગે આપી માહિતી, ૩ વર્ષ પહેલા આર્થિક તળિયે પહોચેલી યુની. માં હાલ ૪૪.૯૩ કરોડ ની એફ.ડી, વર્ગ ૩ ની ભરતીમાં પૂરી પારદર્શિતા સાથે કરી છે ભરતી, હવે ફરી એલ.ડી આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ તરીકે બજાવશે ફરજ.
મિલન કુવાડિયા
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના કુલપતિ તરીકે પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ મહિપતસિંહ ચાવડા પૂર્ણ કરી રહ્યા છે ત્યારે તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન યુનિવર્સીટીના વિકાસ અને તમામ પ્રકારે સદ્ધરતા લાવવાના પ્રયાસો કર્યા તેમજ તેમના સાહસ ભર્યા નિર્ણયને લઇ ૫૦ જેટલા લોકોને યુનિવર્સીટીની ખાલી જગ્યાઓમાં નિયમો આધીન ભરતી કરી છે તેમજ યુનિવર્સીટી ને ૪ સ્ટાર રેન્ક અપાવવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે તેમ જણાવ્યું હતું ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીમાં ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ કુલપતિ તરીકે
અમદાવાદ એલ.ડી.આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ મહિપતસિંહ ચાવડાની નિમણુક કરવામાં આવી હતી. આ સમયે યુનિવર્સીટીની આર્થિક હાલત પણ ખરાબ હતી અને જરૂરી સ્ટાફ ભરતી-સમય સર પ્રવેશ-પરીક્ષા અને પરિણામો આપવા સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓ યુનિવર્સીટીમાં સામે આવી હતી. ત્યારે કુલપતિ હવે પોતાનો ૩ વર્ષનો કાર્યકાળ ૯ માર્ચના રોજ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે તેમણે એકમ પ્રેસકોન્ફરન્સ યોજી પોતાના કાર્યકાળમાં થયેલા કામો અંગે માહિતી આપી હતી જેમાં સ્નાતક, અનુસ્નાતક અને ડીપ્લોમાં કક્ષાએ ૧૦૦% ઓનલાઇન પ્રવેશ પૂરી પારદર્શિતા સાથે આપવો.
દરેક ફેકલ્ટીમાં ટોપર્સને ગોલ્ડમેડલ મળે તે અભિયાનને પણ હાથમાં લીધું અને યુનિવર્સીટીમાં માં વિવિધ ફેકલ્ટીના ૫૬ ટોપર્સને ગોલ્ડમેડલ આપવામાં આવતા હતા તેમાં ૮૦ ગોલ્ડમેડલ આપવાના નિર્ણયને સાકાર કર્યો. આ ઉપરાંત યુનિવર્સીટીમાં વર્ગ ત્રણની જગ્યાઓ કે જેની ભરતી પ્રક્રિયામાં અનેક બાધાઓ હતી તે દુર કરી પૂરી પારદર્શિતા સાથે ૫૦ લોકોની ભરતી કરી , આ ઉપરાંત સ્વનિર્ભર અભ્યાસક્રમો, જોડાણ ફી, પ્રવેશ ફી, એલઆઈસી ફી નું માળખું,
યુનિવર્સીટી પરીક્ષા ફી નું માળખું વગરેમાં જરૂરી સુધારાઓ કરી બિનજરૂરી ખર્ચ ટાળી યુનિવર્સીટી જે આર્થિક સાવ તળિયે હતી તેને ૪૪.૯૩ કરોડની એફ.ડી સાથે સદ્ધરતા અપાવી છે તેમ જણાવ્યું હતું. યુનિવર્સીટીને ભૂતકાળની સરખામણીએ અગ્રીમ હરોળમાં સ્થાન અપાવી પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લેતા મહિપત ચાવડાની વિદાય પ્રસંગે યુનિવર્સીટીમાં વર્ગ-૩ માં નોકરી મેળવનાર લોકો પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે લીધેલા સાહસ અને પારદર્શિતા ભરેલા નિર્ણયને આવકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.