સિહોર સહિત જિલ્લામાં પડતર પ્રશ્ને વીસીઈએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો

હડતાલ બાદ કોરોનાની મહામારીમાં વીમો આપવાની એક માંગણી સ્વિકારાઈ, અન્ય પ્રશ્ને કોઈ નિર્ણય નહી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લામાં ઈ-ગ્રામ વીસીઈના પડતર પ્રશ્નનુ નિરાકરણ નહી આવતા ગત ગુરૂવારથી કર્મચારીઓએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો તેથી ઈ-ગ્રામની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી અને ખેડૂત સહિતના લોકોની મૂશ્કેલી વધી હતી.ગઇકાલે બુધવારે સાત દિવસ બાદ વીસીઈએ હડતાલ પૂર્ણ કરી દીધી છે અને કામગીરી ફરી શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે પરંતુ વીસીઈને વીમો આપવાની એક વાત માત્ર સ્વિકારવામાં આવી છે અને અન્ય કોઈ માંગણી પૂર્ણ થઈ નથી. ગુજરાત સરકારની ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વીસીઈ છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરે છે છતા સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. જિલ્લામાં પડતર પ્રશ્ને ગત તા. ૧ ઓકટોબરે ઈ-ગ્રામ વીસીઈ આશરે ૩પ૦થી વધુ કર્મચારીએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો અને હડતાલ પર ઉતરી ગયા હતાં. ગઇકાલે બુધવારે બપોરના સમયે વીસીઈએ હડતાલ પૂર્ણ કરી હોવાનુ જાણવા મળેલ છે. આ હડતાલ સાત દિવસ ચાલી હતી અને સાત દિવસની હડતાલમાં વીસીઈની વીમાની એક માંગણી પૂર્ણ થઈ હતી.

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી વીમાની માંગણી સરકારે મંજુર રાખી છે, જયારે અન્ય પડતર પ્રશ્ને કોઈ નિરાકરણ આવેલ નથી. ખેડૂતના હિતમાં હડતાલ પૂર્ણ કરી હોવાનો દાવો વીસીઈ સંગઠનના અગ્રણીએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત તા. ૧ ઓકટોબરથી ટેકાના ભાવે મગફળીના વેચાણ માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પણ પ્રારંભ થયો હતો પરંતુ વીસીઈ કામગીરીથી અળગા રહેતા ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા મૂશ્કેલી પડી હતી.  વીસીઈએ હડતાલ પાડતા ખેડૂત સહિતના પરેશાન થઈ રહ્યા હોવાનુ જાણવા મળેલ છે. સરકાર દ્વારા વીસીઈના હિત માટે પગલા ભરવા જોઈએ પરંતુ વીસીઈના હિત માટે ખાસ કોઈ પગલા ભરવામાં આવેલ નથી.

વીસીઈને કોઈ લાભ કે પગાર-ધોરણ બાબતે વિચાર કરેલ નથી. આ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી હતી છતા કોઈ પગલા લેવામાં નહી આવતા વીસીઈ મંડળ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોનાની મહામારીમાં મગફળીના રજીસ્ટ્રેશનમાં ધસારાના કારણે કોરોનાગ્રસ્ત થવાની સંભાવના, અગાઉ પી.એમ.કિસાન, કૃષી સહાય, જન્મ-મરણ વગેરે એન્ટ્રી કરેલ અને ર વર્ષ જેટલો સમય થયો છતા ચુકવણુ કરવામાં આવેલ નથી. કમિશન વધારવાને બદલે ઘટાડયુ, મોંઘવારીમાં કમિશન પર કામ કરવુ પોસાય તેમ ન હોવા છતા પગાર આપવામાં આવતો નથી તેથી વીસીઈની હાલત દયનીય છે. વીમા કવચનો લાભ આપવા, કમિશન પ્રથા બંધ કરી પગાર-ધોરણ નક્કી કરવુ, અગાઉની એન્ટ્રીની કામગીરીનુ ચુકવણુ કરવુ વગેરે માંગણી વીસીઈએ કરી હતી. અન્ય પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહી આવતા વીસીઈઓમાં કચવાટ ફેલાયો હતો. વીસીઈની હડતાલ પૂર્ણ થતા ખેડૂતોને રજીસ્ટ્રેશન સહિતની કામગીરી કરાવવામાં રાહત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here