ભાવનગર ખાતે રંગોળી સ્પર્ધા તેમજ માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ લાવવા અનોખી પહેલ કરાઈ
મિલન કુવાડિયા
આગામી સમયમાં યોજાનાર ભાવનગર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગર દ્વારા રંગોળી સ્પર્ધા
તેમજ માનવ સાંકળ રચી મતદાન પ્રત્યે લોકોમા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ઘોઘા સર્કલ ખાતે કરાયેલા રંગોળી સ્પર્ધાના આયોજનમા ૫૦ થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ તમામ કલાકારોને તંત્ર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કલાકારો દ્વારા મતદાન જાગૃતિ અર્થે તૈયાર કરાયેલી આ રંગોળીને ૫ હજારથી વધુ લોકોએ નિહાળી હતી.
જ્યારે વિદ્યાધિશ સંકુલ ખાતે મતદારો જાગૃત બને તે માટે વિદ્યાર્થીઓ દ્વારા વોટ ફોર ભાવનગર ની માનવસાંકળ બનાવી અનોખી પહેલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાશિકારી એન.જી.વ્યાસ તથા એજ્યુકેશન ઇન્સ્પેકટર એમ.આર.પાંડે ઉપસ્થિત રહ્યા હતા.