ભાવનગર મહાનગરની ચૂંટણીમાં મતદારોની નિરશતા, ઉમેદવારોનું ટેન્શન હાઈ, ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરવા મતદારોના દ્વારે


સલીમ બરફવાળા
ભાવનગર મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન સંભાળવા ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. મતદાન પૂર્વે ગઈકાલે આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતાની જોળીમાં મત પડે તે માટે એડીચોટીનું જોર લગાવી જોરશોરથી પ્રચાર કર્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે શહેરમાં સ્કૂટર રેલી, રોડ શોની દિવસભર લાઈનો લાગી હતી.

જો કે, મતદારોમાં ચૂંટણી ટેમ્પો જામતો ન હોય, તેમની નિરશતાએ ઉમેદવારો અને પક્ષોનું ટેન્શન હાઈ લેવલ પર પહોંચાડી દીધું છે. આવતીકાલે રવિવારે મ્યુનિ.ના ૧૩ વોર્ડના ૫૨ નગરસેવકો માટે સામાન્ય ચૂંટણીનું મતદાન થશે. મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ, સીપીએમ સહિતના પક્ષોએ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે અંતિમ ઘડીના પ્રચાર કર્યા હતા.

શહેરમાં અનેક સ્થળોએ સ્કૂટર રેલી, રોડ શો, રિક્ષાથી પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગી ગઈ હોવાથી જાહેરમાં પ્રચાર કરવા પર પ્રતિબંધ આવી જતાં ઉમેદવારો માટે રાત ઓછી ને વેશ જાજા.. હોય, રાજકીય પક્ષો માટે મતદારોને રિઝવવા માટે છેલ્લી કલાકો જ બાકી રહી હોવાથી આજે ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરવા માટે મતદારોના દ્વારે પોહચ્યા હતા અગાઉની ચૂંટણીઓ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હજુ મતદારોનો ઉત્સાહ ઠંડો જ રહ્યો હોવાથી રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ છે.

ડોર ટુ ડોર પ્રચારની સાથે બૂથ મેનેજમેન્ટ અને રવિવારે મતદારોને મતદાન કેન્દ્રો પર પહોંચાડવા માટેનો પણ વ્યૂહ ગોઠવવામાં આવી રહ્યો છે. જો કે, મ્યુનિ.ની સત્તાની કમાન કોને સોંપવી ? તે અંતે તો મતદારોના જ હાથમાં છે. જેથી રવિવારે સવા પાંચ લાખ મતદારોના હથામાં જ ઉમેદવારોના ભાવિનો દડો હશે. હવે રવિવારે કેટલી મતદાન થાય છે ? કયાં પક્ષની તરફેણમાં થાય છે ? તેના પર બીએમસીમાં સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ? તેનું ચિત્ર સ્પષ્ટ કરશે. જેના માટે મંગળવારે ચૂંટણી પરિણામની રાહ જોવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here